Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

અમદાવાદના 21 જેટલા તળાવોને વધુ આકર્ષક બનાવવા અને તેમાં ગટર પાણી ન ભળે તે જોવા તાકીદ કરતા અમિતભાઇ શાહ

ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહે તેમના મતવિસ્તારમાં સમાવિષ્ટ અમદાવાદ શહેર-જિલ્લાના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ  શાહે આજે તેમના મતવિસ્તારમાં સમાવિષ્ટ અમદાવાદ શહેર-જિલ્લાના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વિભિન્ન પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા-વિમર્શ કરી લોકોને સ્પર્શતા પ્રશ્નોનો ઝડપથી નિકાલ લાવવાની તાકીદ કરી હતી. શહેરના તળાવો વધુ આકર્ષક બને તે માટે કામો કરવા અનિવાર્ય છે. સાથે સાથે તેમણે શહેરના તળાવોમાં બારેમાસ પાણી રહે તેવું આયોજન માટે તાકીદ કરી હતી. શહેરના 21 જેટલા તળાવોને વધુ આકર્ષક બનાવવા માટે અસરકારક નાંણાકીય આયોજન કરવા તેમજ તેમાં ગટર પાણી ન ભળે તેની તાકીદ કરી આ માટે તજજ્ઞનું માર્ગદર્શન મેળવી કામ ટુંક સમયમાં પુર્ણ કરવા પણ મંત્રીએ સુચન કર્યું હતું.

કેન્દ્રીય ગુહ મંત્રીએ વૃક્ષારોપણ અને તેની જાળવણીની હિમાયત કરતાં કહ્યું કે વૃક્ષો આપણા અસ્તિત્વ માટે જરૂરી છે ત્યારે, વૃક્ષારોપણની સાથે સાથે તેના જતન-સંવર્ધન અને સર્વાઈવલ રેટ વધે તે પણ એટલું જ જરૂરી છે. કયા વિસ્તારમાં કેટલા વૃક્ષો વાવ્યા, તેની જાળવણી અને તેના સંવર્ધન માટેની શી વ્યવસ્થા કરાઈ છે તે અંગેની ઝીણામાં ઝીણી વિગતો મંત્રીએ મેળવી હતી.

શહેરી ગરીબો અને જરૂરિયાતમંદો માટે આવાસો એ સમયની માંગ છે ત્યારે હાઉસીંગ પોલીસીમાં ગરીબોને સત્વરે આવાસો મળે તે માટે તેમને પ્રાથમિકતા આપવા જણાવી કેન્દ્રીય મંત્રી અમીતશાહે કહ્યું કે, દરેક માનવીને પોતાનુ ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન હોય છે એ સ્વપ્ન સાકાર થવું જોઈએ.

આ બેઠકમાં ધારાસભ્યો- જનપ્રતિનિધિઓએ ઉપસ્થિત કરેલા જન સુખારીના કામો સત્વરે પુર્ણ કરવા મંત્રી અમદાવાદ મહાનગરપાલિકાના અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી. સાથે સાથે શહેરમાં હાથ ધરાયેલી રસીકરણ કામગીરીની સમીક્ષા કરી રસીકરણ વધુ વેગવાન બનાવવા પણ સુચના આપી હતી.

ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલા કામોની સમીક્ષામાં જણાવાયું હતું કે, વર્ષ 2019-20 તથા 2020-21માં રૂ. 768.20 કરોડના ખર્ચે પાણી, ડ્રેનેજ, હાઉસીંગ, રોડ, બ્રીજ, અંડરપાસ, બગીચા બનાવવા સહિત 232 જેટલા કામો પુર્ણ થયા છે. જ્યારે વર્ષ 2021-22માં અંદાજે રૂ. 2873.44 કરોડના 186 કામો હાલ પ્રગતિમાં છે. અને રૂ. 1801.68 કરોડના ખર્ચે 168 વધુ કામો આયોજન હેઠળ છે. આમ, ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ વિસ્તારોમાં કુલ મળીને રૂ. 5443.20 કરોડના ખર્ચે જન સુવિધાના કામો ઉભા કરાનાર છે

આ ઉપરાંત ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ નારણપુરા, સાબરમતી, ઘાટલોડીયા અને વેજલપુર વિધાનસભા વિસ્તારમાં રસીકરણ અંતર્ગત લગભગ 87 % લોકોને પ્રથમ ડોઝ અપાયો છે, તે અંગેનું પ્રેઝન્ટેશન પણ મ્યુનિસિપલ કમિશનરે રજૂ કર્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં વૃક્ષારોપણનો ચિતાર આપતા જણાવવામાં આવ્યું હતું કે, ચાર વિધાનસભા વિસ્તારોમાં કુલ ચાલુ વર્ષે 3.44 લાખ વૃક્ષોનું વાવેતર કરાયું છે.

આ બેઠકમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલ, ધારાસભ્ય સર્વ ભુપેન્દ્ર પટેલ, અરવિંદ પટેલ, કિશોર ચૌહાણ, અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, અગ્રણી ધર્મેન્દ્ર શાહ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર, સહિત અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

અમિતશાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાઈ રહેલા સ્પેશિયલ પ્રોજેક્ટમાં પણ વિશેષ રૂચિ દાખવી હતી. તેમણે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, પલ્લવ-પ્રગતિનગર સ્પ્લીટ ફ્લાય ઓવ્ર બ્રીજ, સીંધુભુવન પાસે નિર્માણાધિન મલ્ટીલેવલ પાર્કીંગ, જાસપૂર ખાતે બનતા 200 એમ.એલ.ડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સીમ્સ હોસ્પિટલ ફોર લેન ઓવરબ્રીજ, છારોડી તળાવ, બોપલ ઈકોલોજી પાર્ક જેવા પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરીને તમામ કામો સમયમર્યાદામાં પુરા થાય તેવી અધિકારીઓને તાકીદ પણ કરી હતી.

(9:16 pm IST)