Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

આંગડિયા પેઢીનો મેનેજર એક કરોડ રૂપિયાથી વધુ લઇ ફરાર

પોલીસ-ક્રાઇમબ્રાંચની આરોપીને પકડવા તપાસ : ૮૧.૬૧ લાખની રોકડ ભરેલા કુલ પ૦ પાર્સલ : ર૩.૪૦ લાખનાં સોનાનાં પાર્સલ સહિત ૧.૧૩ કરોડની ઉચાપત

અમદાવાદ,તા. ૩૦ : શહેરના રતનપોળમાં આંગડિયા પેઢીનો મેનેજર આંગડિયા પેઢીમાંથી કુલ રૂ.૧.૧૩ કરોડની ઉચાપત કરી ફરાર થઇ ગયો હોવાની ઘટના સામે આવતાં અમદાવાદ શહેર સહિત રાજયભરની આંગડિયા પેઢી આલમમાં ભારે ચકચાર મચી ગઇ છે. અવારનવાર આંગડિયા પેઢીના કર્મચારીઓ દ્વારા વિવિધ આંગડિયા પેઢીના સમાચાર સામે આવતા હોય છે ત્યારે તેમાં વધુ એક ઉમેરો થયો છે. રતનપોળની મેસર્સ પ્રવીણભાઇ ઇશ્વરભાઇ પટેલની આંગડિયા પેઢીના મેનેજર દ્વારા જ રૂ.૮૧.૬૧ લાખની રોકડ ભરેલા જુદાં જુદાં પ૦ પાર્સલ, રૂ.ર૩.૪૦ લાખનાં સોનાનાં પાર્સલ અને રૂ.૭.પ૦ લાખની રોકડ રકમ મળી કુલ રૂ.૧.૧૩ કરોડની ઉચાપત કરી ફરાર થઇ જતાં આ મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે. મામલાની ગંભીરતા ધ્યાને લઇ કાલુપુર પોલીસ અને ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના વીસનગરમાં જીવરાજપાર્ક સોસાયટીમાં રહેતા બળદેવભાઇ રબારીની રતનપોળમાં દૂધિયા બિલ્ડિંગમાં મેસર્સ પટેલ પ્રવીણભાઇ ઇશ્વરભાઇ નામની આંગડિયા પેઢી આવેલી છે. આ પેઢીની અમદાવાદ, સુરત, રાજકોટ, ડીસા, પાલનપુર, મહેસાણા, વીસનગર, ઇડર જેવાં શહેરોમાં બ્રાંચો આવેલી છે. અમદાવાદની રતનપોળમાં આવેલી શાખામાં કુલ આઠ વ્યકિતઓ કામ કરે છે. મહેસાણાના ગોકળગઢ ગામમાં રહેતા અરવિંદભાઇ ગાંડાભાઇ પ્રજાપતિ છેલ્લા બે વર્ષથી આ પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. અરવિંદભાઇ પેઢીમાં આવતાં પાર્સલોની નોંધ કરી તેનો હિસાબ રાખતા હતા. તા.ર૬ના રવિવારે બપોરે અરવિંદભાઇએ બળદેવભાઇને ફોન કરી જાણ કરી હતી કે, વડોદરામાં મારા સંબંધી બિમાર હોવાથી હું તેમનાં ખબર-અંતર પૂછવા જાઉં છું અને આવતીકાલે વહેલી સવારે પેઢી પર આવી જઇશ. પેઢીમાં આવેલા પાર્સલો-રોકડ તેઓએ સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકી દીધા હોવાનું તેમણે જણાવ્યું હતું. બીજા દિવસે સવારે વેેપારીઓએ બળદેવભાઇને ફોન કરી જાણ કરી હતી કે, પેઢી બંધ છે અને અરવિંદભાઇનો કોઇ અતોપતો નથી. બળદેવભાઇએ તેમના ત્રણ મોબાઇલ ફોન પર ફોન કરતા બે ફોન બંધ હતા અને એક ફોન તેઓએ ઉપાડ્યો ન હતો. અરવિંદભાઇના ઘેર તપાસ કરતા અરવિંદભાઇ મળ્યા ન હતા. બળદેવભાઇ તાત્કાલીક અમદાવાદ તેમની રતનપોળમાં આવેલ પેઢી પર આવ્યા હતા અને સેફ લોકરની ચાવીની તપાસ કરી હતી પરંતુ ચાવીઓ મળી ન હતી. ડુપ્લિકેટ ચાવી બનાવડાવી સેફ લોકર ખોલતાં આંગડિયા પેઢીમાં આવેલાં પાર્સલો અને રોકડ રકમ ગાયબ થયેલ જણાઇ હતી. આંગડિયા પેઢીના અન્ય ભાગીદારો આવતાં પાર્સલ તથા રોકડનો હિસાબ કરતા જુદા જુદા દાગીનાના પાર્સલો કે જેની કિંમત રૂ.૮૧.૬૧લાખ, રૂ.ર૩.૪૦ લાખના સોનાનાં સાત પાર્સલ, રોકડ રકમનાં પાર્સલ રૂ.પ.૮૬ લાખ અને પેઢીની ઓફિસમાં મૂકેલી રોકડ રૂ.ર.૪૦ લાખ તેમ મળી કુલ રૂ.૧.૧૩ કરોડની રકમ લઇ અરવિંદ પ્રજાપતિ ફરાર થઇ ગયો હોવાનું બહાર આવ્યું હતું. આમ કરોડો રૂપિયાની ઉચાપત કરી પેઢીનો મેનેજર અરવિંદ પ્રજાપતિ ફરાર થઇ જતાં તેના સંભવિત સ્થાનો પર તપાસ કરાઇ હતી પરંતુ તે મળ્યો ન હતો. છેવટે બળદેવભાઇએ આ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં અરવિંદ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. કાલુપુર પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમે સીસીટીવી ફૂટેજ, મોબાઇલ લોકેશનના આધારે આરોપી શોધખોળ શરૂ કરી છે. બીજીબાજુ, ખુદ આંગડિયા પેઢીના કર્મચારી દ્વારા જ રૂ.૧.૧૩ કરોડની ઉચાપતના સમાચારને પગલે રાજયભરના આંગડિયા વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઇ છે.

(8:49 pm IST)