Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

સરકારની નિષ્ફતા છતી કરવા AAP બાદ હવે કોંગ્રેસ દ્વારા પણ સમાંતર કાર્યક્રમોની જાહેરાત

કોંગ્રેસ દ્વારા ‘‘જન સંપર્ક અભિયાન’’ અંતર્ગત 1લીથી 9મી ઓગસ્ટ સુધી દરરોજ કાર્યક્રમો જાહેર કરાયા: ભાજપ સરકારે પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ તા.1લી થી 9મી ઓગસ્ટ સુધી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કર્યું છે

અમદાવાદ : ભાજપ સરકારે પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ 1લીથી 9મી ઓગસ્ટ સુધી જુદા જુદા કાર્યક્રમો યોજીને ઉજવણી કરવાની જાહેરાત કરી છે. તેની સાથે આમ આદમી પાર્ટી ( આપ ) બાદ હવે કોંગ્રેસે પણ સમાંતર કાર્યક્રમો યોજીને સરકારની નિષ્ફળતા છતી કરવા માટેના કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા ‘‘જન સંપર્ક અભિયાન’’ અંતર્ગત 1લીથી 9મી ઓગસ્ટ સુધી દરરોજ કાર્યક્રમો જાહેર કર્યા છે.

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, મંદી – મોંઘવારી – મહામારી – બેરોજગારી – અસુરક્ષાના ભાવ સાથે ગુજરાતની સાડા છ કરોડની જનતા આજે ખુબ કપરા સમયમાં પોતાનુ જીવન વ્યતિત કરી રહી છે. આ કપરા સમયમાં સરકાર તરફથી લોકોને હુફ – મદદ – રાહત – સહાયતા મળવી જોઈએ. જેના બદલે ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા રૂપી શાસનને વાહવાહી કરવા માટે પ્રજાના ટેક્ષના પરસેવાના પૈસાને ઉત્સવો – તાયફાઓ પાછળ વેડફી રહી છે.

સરકારે પોતાના નિષ્ફળ શાસન માટે શરમ કરવી જોઈએ. જેના બદલે વાહવાહી કરવા માટે નવ દિવસના ઉત્સવો – તાયફા કરવા જઈ રહી છે. ગુજરાતના છ કરોડ નાગરિકોના આક્રોશ, મૂંઝવણ, વ્યથા, લાગણી અને માંગણીને વાચા આપવા, માટે કોંગ્રેસ ક્રાંતિકારી ઓગસ્ટ મહિનામાં નવ દિવસના ‘‘જન ચેતના અભિયાન’’ કાર્યક્રમ કરવાના છીએ.

‘‘જન સંપર્ક અભિયાન’’ કાર્યક્રમ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, 1લી ઓગસ્ટે ભાજપ સરકારના ૨૫ વર્ષના શાસનમાં શિક્ષણની અધોગતિ થઈ છે ત્યારે ગુજરાતમાં બાળકોના ભવિષ્ય માટે ‘‘શિક્ષણ બચાવો અભિયાન’’ કરવામાં આવશે.

કોરોના મહામારીમાં ખાનગી હોસ્પિટલોમાં જે રીતે લાખો રૂપિયાની લુંટ અને ભાજપ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા માટે ૨જી ઓગસ્ટે અસંવેદનશીલ સરકાર ‘‘આરોગ્ય બચાવો અભિયાન’’ કરવાના છીએ. એજ રીતે ૩જી ઓગસ્ટે સમગ્ર ગુજરાતની નારી શક્તિ સન્માન, સુરક્ષા સાથે જીવી શકે, જુલમ – અત્યાચાર ન થાય એ માટે 4થી ઓગસ્ટે ‘‘મહિલા સુરક્ષા અભિયાન’’ કરવા જઈ રહ્યાં છીએ. ખેડૂતોને થઇ રહેલાં અન્યાયને લઈ 5મી ઓગસ્ટે ‘‘ખેડૂત – ખેતી બચાવો અભિયાન’’ લઈને આવી રહ્યાં છીએ.

ગુજરાતમાં 40 લાખ કરતા વધારે બેરોજગાર યુવાનો છે. ત્યારે ગુજરાતના યુવાનોને રોજગારના અધિકાર અપાવવાના લક્ષ્ય સાથે 6ઠ્ઠી ઓગસ્ટે ‘‘બેરોજગારી હટાવો અભિયાન’’ કરવાના છીએ. જયારે વિકાસ ખોજ અભિયાન બેનર હેઠળ 7મી ઓગસ્ટના રોજ કાર્યક્રમ યોજાશે. એ જ રીતે 8મી ઓગસ્ટ જન અધિકાર અભિયાન એટલે કે પ્રજા જે ટેક્ષ ભરે છે તેની સામે જે સુવિધાઓ મેળવવા માટેનો જે અધિકાર છે એ વાતને લઈને કાર્યક્રમ લઈને આવી રહ્યાં છે.

9મી ઓગસ્ટ ક્રાંતિ દિવસ અને આદિવાસી દિવસ છે આ દિવસે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સામાજીક ક્રાંતિ અભિયાન લઈને કોંગ્રેસ પક્ષ અભિયાન ચલાવશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસપક્ષ રાજ્યના વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ તમામના હક્ક-અધિકાર માટે અભિયાન સ્વરૂપે કાર્યક્રમ દ્વારા ભાજપ સરકારની જનવિરોધી અને ભ્રષ્ટ નીતિ-રિતીને ઉજાગર કરાશે.

શું છે કોંગ્રેસનો ‘‘જન સંપર્ક અભિયાન’’ કાર્યક્રમ

દિવસ ક્રાયકર્મની વિગત
1 ઓગસ્ટ શિક્ષણ બચાવો અભિયાન
2 ઓગસ્ટ ‘‘સંવેદનહીન સરકાર’’ આરોગ્ય બચાવો અભિયાન
3 ઓગસ્ટ અન્ન અધિકાર અભિયાન
4 ઓગસ્ટ મહિલા સુરક્ષા અભિયાન
5 ઓગસ્ટ ખેડૂત – ખેતી – બચાવો અભિયાન
6 ઓગષ્ટ બેરોજગારી હટાવો અભિયાન
7 ઓગસ્ટ ‘‘વિકાસ કોનો ?’’ વિકાસ ખોજ અભિયાન
8 ઓગસ્ટ જન અધિકાર અભિયાન
9 ઓગસ્ટ સામાજિક ક્રાંતિ અભિયાન
(8:47 pm IST)