Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

સુરતના કતારગામની બિલ્‍ડીંગના ગ્રાઉન્‍ડ ફલોરમાં આગ ભભુકીઃ બીજા અને ત્રીજા માળે કામ કરતા 12 કર્મચારીઓને રેસ્‍ક્‍યુ ઓપરેશન કરાવી બચાવી લેવાયા

એક કલાક ઓપરેશન પાર પાડીને લેડર મશીનથી બચાવ થયો

સુરત: સુરત શહેરમાં વધુ એકવાર આગની ઘટના બની હતી. સુરતના કતાર ગામની એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં 12 જેટલા કર્મચારીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું. તમામને લેડર મશીનની મદદથી બચાવી લેવાયા હતા. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી હતી અને બીજા અને ત્રીજા માળે કર્મચારીઓ કામ કરતા હતા.

ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી, ઉપરના માળે કારીગરો રહેતા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં અશ્વિનીકુમાર ફૂલપાડા રોડ ઉપર આવેલી નિર્માણ ઇન્ડસ્ટ્રીના એક એમ્બ્રોઇડરીના કારખાનામાં આગ લાગી હતી. રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ શોર્ટસર્કિટને કારણે સાડી પોલીસના મશીનમાં લાગી હતી. કારખાનાના ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. જેને કારણે દોડધામ મચી ગઈ હતી. આગ નીચેના ફ્લોર પર લાગી હતી. પરંતુ બિલ્ડીંગના બીજા અને ત્રીજા માળે એમ્બ્રોઈડરી કારખાનાના કારીગરો રહેતા હતા. બીજા અને ત્રીજા માળે ઓડિશાના કારીગરો રહેતા હતા.

લેડર મશીનથી કારીગરોને બચાવી લેવાયા

આગના બનાવની જાણ થતા જ કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના અધિકારીઓ ટીમ સાથે દોડી ગયા હતા. આગને બૂઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. બીજા અને ત્રીજા માળે 12 જેટલા કારીગરો હતા, જેમને લેડરની મદદથી સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. એક કલાક રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું, જેમાં તમામ 12 કારીગરોને બચાવી લેવાયા હતા.

(5:32 pm IST)