Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

રાજ્ય સરકાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું : લગ્ન માટે મહત્તમ 150 વ્યક્તિઓની જ મંજૂરી

આઠ મહાનગરો માટે નવાં નિયમો આવતીકાલથી 31 જૂલાઈથી 17 ઓગસ્ટ સુધી લાગૂ : અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ 40 વ્યક્તિઓને મંજૂરી રાજકીય, સામાજિક, શૈક્ષણિક કાર્યક્રમોમાં મહત્તમ 400 લોકોને મંજૂરી: રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રખાશે લગ્નપ્રસંગનો સમાવેશ સામાજિક કાર્યક્રમમાં કરાયો નથી : સિનેમા, થિયેટરો, મનોરંજક સ્થળો 60 ટકા કેપેસીટી સાથે ચાલુ રખાશે

અમદાવાદ :  દેશમાં ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે ગુજરાતની રૂપાણી સરકાર એલર્ટ મોડમાં આવી ગઇ છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા આઠ મનપામાં જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. જે મુજબ નવા નિયમો આવતીકાલથી એટલે કે 31 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી લાગુ રહેશે.

રાજ્યની  આઠ મનપાને ધ્યાનમાં રાખી જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ હવે લગ્ન માટે મહત્તમ 150 લોકોને મંજૂરી આપવામાં આવશે. વળી લગ્નપ્રસંગનો સમાવેશ સામાજિક કાર્યક્રમમાં કરાયો નથી. ઉપરાંત રાત્રિકર્ફયૂ દરમ્યાન લગ્ન યોજી શકાશે નહીં.

 અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તાજેતરમાં જ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુને લઇને મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં રાત્રિ કરફ્યુની સમય મર્યાદા 31 જુલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી હતી. એટલે કે આ 8 મહાનગરોમાં 31 જુલાઈથી રાત્રિના 11થી સવારના 6 વાગ્યા સુધીનો કરફ્યુ રહેશે એવો નિર્ણય લેવાયો છે.

(5:26 pm IST)