Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ગુજરાતમાં રેડ અને બ્લેક કલર ગ્રેડમાં શાળાઓ મુકાઈ : હેન્ડ હોલ્ડિંગ અને મોનીટરીંગનું આયોજન

બ્લેક એન્ડ રેડ કલર ગ્રેડની શાળાઓની માસિક મુલાકાત લેવી જરૂરી : સીઆરસીઓ દ્વારા પખવાડિક મુલાકાત લેવી જરૂરી

ગાંધીનગર,તા. ૩૦:  ડાયેટ દ્વારા રેડ અને બ્લેક કલર ગ્રેડમાં આવેલી ગાંધીનગરમાં આવેલી શાળાઓને અલગ તારવવામાં આવી છે. આ શાળાઓની તાલીમ પૂર્ણ કરી છે. આ શાળાઓના તમામ મુખ્ય શિક્ષકો અને શિક્ષકોને જરૂરી તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ તાલીમ દરમિયાન સમયમાં શાળા દ્વારા કેવા પ્રયાસો કરવામાં આવશે તેનો સમાવેશ કરતી શાળા વિકાસ યોજના પણ તૈયાર કરવામાં આવી છે. આ શાળાઓને તમામ કક્ષાએ હેન્ડ હોલ્ડિંગ અને મોનીટરીંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

રાજયના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ગાંધીનગર જિલ્લાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ સહિત અન્યોને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, લીએઝન ઓફીસર, બી.આર.સી., કો.ઓ અને એસ.આઇ. દ્વારા બ્લેક એન્ડ રેડ કલર ગ્રેડની શાળાઓની માસિક મુલાકાત લેવી જરૂરી છે. સીઆરસીઓ દ્વારા પખવાડિક મુલાકાત લેવી જરૂરી છે. આ શાળાઓના હેન્ડ હોલ્ડિંગ સંદર્ભે કરવાની થતી મુલાકાતોનું આયોજન ડાયેટ પ્રાચાર્ય અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલવાનું રહેશે.

આ મુલાકાતો દરમિયાન શાળાઓને ગુણોત્સવ ૨.૦ સંદર્ભે તમામ મુખ્ય ક્ષેત્રો અને પેટા ક્ષેત્રો સંદર્ભે માર્ગદર્શન આપવાનું રહેશે. તે સંદર્ભે શાળાની પ્રગતિનું ફોલોઅપ લેવાનું રહેશે. શાળાઓનો પ્રગતિ રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા કક્ષાએ ડાયેટ પ્રાચાર્ય અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલવાના રહેશે.

વધુમાં જણાવ્યું છે કે, ગુણોત્સવ ૨.૦માં ૫૦થી ૬૦ ટકા સુધીનો સ્કોર મેળવેલ યલો કલર ગ્રેડની શાળાઓનું પણ હેન્ડ હોલ્ડિંગ કરવાનું રહેશે. હેન્ડ હોલ્ડિંગ અને મોનીટરીંગ કાર્યના સંકલન માટે દર ૫૦ દિવસે જિલ્લા કક્ષાએ સંકલન બેઠકમાં પોતાના કાર્યની પ્રગતિનો અહેવાલ પ્રેઝન્ટેશન સાથે રજૂ કરવાનો રહેશે. તેની સાથે દર મહિનાની ૫મી તારીખ સુધીમાં dietgandhinagar@gmail.com અને dpcgandhinagar@gmail.com મેઇલ પર મોકલવાનો રહેશે.

(12:00 pm IST)