Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ગુજરાતમાં ૧૩ વર્ષમાં વૃક્ષોની સંખ્યા ૩૭ ટકા વધ્યાનો દાવો

વડોદરા નજીક ૬૯માં વન મહોત્સવનો પ્રારંભઃ લોકશક્તિને જોડવા માટે અભિગમથી વૃક્ષોની સંખ્યા વધી

અમદાવાદ,તા.૩૦: નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યના સામાજિક વનીકરણ વિભાગ અને વન વિભાગની નિષ્ઠાવાન અને સંકલ્પબદ્ધ કામગીરી અને વૃક્ષઉછેરના કામમાં લોકશક્તિને જોડવાના અભિગમને કારણે રાજ્યમાં વૃક્ષોની સંખ્યામાં ૩૭ ટકા નોંધપાત્ર વધારો થયો છે.  રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વરણામા ગામે બીઆઈટીએસ એજ્યુકેશન કેમ્પસ ખાતે પૂજન સાથે વૃક્ષારોપણ કરીને વડોદરા જિલ્લાના ૬૯મા વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ જણાવ્યું હતું કે, સન ૨૦૦૪માં ગુજરાતમાં વૃક્ષોની સંખ્યા ૨૫ કરોડ જેટલી હતી જે ૨૦૧૭ના વર્ષમાં વધીને ૩૪ કરોડ ૩૫ લાખ જેટલી થઇ છે. રાજ્ય સરકારે વિકાસ માટેની જરૂરિયાતને કારણે જેટલા વૃક્ષો કાપવા પડે એનાથી વધુ નવા વૃક્ષો વાવવા અને ઉછેરવાની જે નીતિ અપનાવી છે એના સારા પરિણામો મળ્યા છે, એવું જણાવીને તેમણે વન વિભાગને અને વનીકરણના કામમાં જોડાયેલા લોકો અને સંસ્થાઓને અભિનંદન આપ્યા હતા. વૃક્ષોનો મહિમા આપણા ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યો છે અને આપણા તહેવારો પણ વૃક્ષો સાથે જોડાયેલા છે એવી જાણકારી આપતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતે નીમકોટેડ યુરીયાના નવતર પ્રયોગ દ્વારા ખાતરની અસરકારકતા વધારી અને તેનો દુરૂપયોગ અટકાવ્યો છે. લીંબોળી જેવી ગૌણ વનપેદાશોના એકત્રીકરણના કામોમાં બહેનોને રોજગારી આપીને મહિલા સશક્તિકરણ કર્યું છે. તેમણે વૃક્ષઉછેરમાં સહયોગના બીટસના સંચાલકોના અભિગમને બીરદાવ્યો હતો અને ઉચ્ચ ગુણવત્તાવાળી શિક્ષણ સેવા અને ગરીબ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે શિક્ષણના સૌજન્યની પ્રસંશા કરી હતી.

(12:21 am IST)