Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

સીજીરોડ ઉપર કલાક પ્રમાણે પાર્કિંગ ચાર્જ વસૂલવા કવાયત

મહત્તમ લોકો પાર્કિંગનો લાભ લે હેતુથી નિર્ણયઃ કલાક પ્રમાણે ચાર્જ વસૂલવાની નવી વ્યવસ્થા અંગે ટેન્ડર જારી કરવા માટેની દિશામા કોર્પોરેશનના ચક્રો ગતિમાન

અમદાવાદ, તા.૩૦: અમદાવાદ યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા હવે શહેરના સી.જી.રોડ પર કલાક પ્રમાણે પાર્કિંગ ચાર્જ વસૂલવા માટેની કવાયત હાથ ધરી છે. ભાજપના શાસકોએ શહેરના રાજમાર્ગ ગણાતા સી.જી. રોડ પર વધુને વધુ લોકો પોતાના વાહનો પાર્ક કરી શકે તેવા આશયથી જે તે વાહનના પાર્કિંગ ચાર્જીસ કલાક પ્રમાણે વસૂલવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. તાજેતરમાં શહેરભરમાં ખાસ કરીને ટ્રાફિકના મુદ્દે  ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ સત્તાવાળાઓ હરકતમાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે કડકાઈથી કસૂરવારો સામે દંડાત્મક પગલા લેવાઈ રહ્યા છે. બીજી તરફ મ્યુનિસિપલ સત્તાવાળાઓ પણ ૬૫થી વધુ ટ્રાફિક જંકશન પર દબાણ દૂર કરવાની દિશામાં ખાસ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત શહેરીજનોને વધુને વધુ પાર્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા નવા ૨૫ પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગની સુવિધા અપાવવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે. દરમિયાન મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે સ્પષ્ટ કર્યું હતું કે, શહેરના અતિ વ્યસ્ત ગણાતા સી.જી. રોડ પર ર્પાકિંગના મામલે જે નીતિ અમલમાં છે. તેમાં ધરમૂળથી ફેરફાર કરીને કલાક પ્રમાણે ર્ચાજિંગ વસૂલવાની દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ છે. જે માટેના ટેન્ડર પણ ટૂંક સમયમાં બહાર પડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે શાસકોએ સી.જી. રોડ ઉપરાંત એસ.જી. હાઈવે પર લોકોને વધુને વધુ ર્પાકિંગ સુવિધા અપાવવા માટે ગંભીરતાથી પ્રયાસ હાથ ધર્યા છે. આગામી દિવસોમાં પાર્કિંગ વ્યવસ્થા અને ચાર્જીસને લઇ મહત્વના નિર્ણયો લેવાય તેવી પણ શકયતા પ્રવર્તી રહી છે.

(12:18 am IST)