Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

છારાનગર : પોલીસ અત્યાચાર મામલાની SOG તપાસ કરશે

એસીપી સોલંકીએ ઘટનાસ્થળની મુલાકાત લીધીઃ વિવાદ વધુ વણસે તે પહેલાં શહેર પોલીસ કમિશનરે સમગ્ર મામલાની તપાસ એસઓજીને સોંપી દેવાનો નિર્ણય કરાયો

અમદાવાદ, તા.૩૦: છારાનગરમાં પોલીસ અત્યાચારના વિવાદીત પ્રકરણમાં આખરે શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે સમગ્ર મામલાની તપાસ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ)(એસઓજી)ને સોંપી દીધી છે. એસઓજીના એસીપી બલદેવસિંહ સોલંકીએ આજે તપાસનો દોર હાથમાં લીધા બાદ છારાનગરના વિસ્તારમાં ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી હતી અને સમગ્ર પરિસ્થિતનો તાગ મેળવ્યો હતો. તાજેતરમાં જ છારાનગરમાં દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમના કેટલાક માણસો પર અસામાજિક તત્વોના હુમલા બાદ ભડકેલી પોલીસે છારાનગરમાં રીતસરનો આંતક મચાવ્યો હતો અને સ્થાનિક લોકોના ઘરમાં ઘૂસી ઘૂસીને તેમને માર્યા હતા. જેમાં પોલીસે મહિલાઓ, બાળકો અને વૃધ્ધોને પણ નિશાન બનાવ્યા હતા. જેને પગલે શહેરભરમાં ભારે ઉહાપોહ મચી ગયો  હતો અને તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આખરે આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે એસઓજીને કમાન સોંપી હતી. કમિશનરે તપાસ સોંપ્યા બાદ એસઓજીના એસીપી બલદેવસિંહ સોલંકીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્રગ વિસ્તારમાં જાતે જઇ સ્થાનિકોને પૂછપરછ કરી જાતમાહિતી મેળવી હતી. આગામી દિવસોમાં એસીપીની તપાસ વધુ વેગવંતી બને તેવી પૂરી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, છારાનગરમાં પોલીસ અત્યાચારને પગલે શનિવારના રોજ દલિત નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ છારાનગરની મુલાકાત લીધી હતી.

આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, પોલીસ છારાનગર અત્યાચાર મામલે દોષિત લોકો સામે કાર્યવાહી કરે, તેમજ જે પોલીસે નિર્દોષો પર અત્યાચાર કર્યો છે તેમની સામે કાર્યવાહી કરો. આ કેસની તપાસ માટે ૩ સભ્યોની સીટ(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) બનાવવી જોઈએ. જો સરકાર આ વાત નહીં માને તો રસ્તા ઉપર ઉતરીશું. જો કે, આ વિવાદ વધુ વણસે તે પહેલાં જ આજે શહેર પોલીસ કમિશનરે સમગ્ર મામલાની તપાસ એસઓજીને સોંપી દીધી હતી.

(11:51 pm IST)