Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

અમદાવાદ : ભુવાઓનું તરત નિવારણ કરવા કોર્ટનો હુકમ

કોર્પોરેશન સત્તાધીશોને ગુજરાત હાઇકોર્ટનો આદેશ : ભુવાના કારણે શહેરમાં ભયંકર-જોખમી સ્થિતિનું નિર્માણ આગામી સપ્તાહમાં પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો આદેશ

અમદાવાદ, તા.૩૦ : અમદાવાદ શહેરમાં બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોરોની સ્થિતિ અને ચોમાસા દરમ્યાન પડેલા ભુવાઓની પરિસ્થિતિને લઇ ચાલી રહેલા કેસની સુનાવણી દરમ્યાન આજે ગુજરાત હાઇકોર્ટે શહેરમાં પડેલા ભુવાઓને લઇ તેમ જ તે પરત્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીને લઇ ભારોભાર નારાજગી અને અસંતોષ વ્યકત કર્યા હતા. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે અમ્યુકો સત્તાવાળાઓને ફટકાર લગાવતાં જણાવ્યું હતું કે, શહેરમાં વિવિધ વિસ્તારોમાં પડેલા ભુવાઓના કારણે શહેરમાં ભયંકર અને જોખમી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે ચલાવી શકાય નહી. આ બહુ ગંભીર બાબત છે અને તેથી કોઇપણ સંજોગોમાં શહેરમાં પડેલા ભુવાઓનું તાત્કાલિક નિવારણ કરવા હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને બહુ મહત્વનો આદેશ કર્યો હતો. વધુમાં, હાઇકોર્ટે ભુવાઓના રિપેરીંગ અને તેના નિરાકરણ સંબંધી હાથ ધરેલી કામગીરી અંગે જરૂરી પ્રગતિ અહેવાલ પણ આગામી સપ્તાહે અદાલત સમક્ષ રજૂ કરવા અમ્યુકોને હુકમ કર્યો હતો. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે હાલમાં શહેરમાં પડેલા જોખમી ભુવાઓ પરત્વે ભારે ચિંતા વ્યકત કરી અમ્યુકો સત્તાધીશોને કેટલાક મહત્વના સૂચનો પણ કર્યા હતા. હાઇકોર્ટે અમ્યુકો અને સરકારના સત્તાધીશોને સાફ શબ્દોમાં ચેતવ્યા હતા કે, શહેરમાં હાલ પડી રહેલા ભુવાઓ નાગરિકો માટે જોખમી બની શકે છે અને તેના કારણે ગંભીર અકસ્માત કે જાનહાનિ પણ સર્જાવાની દહેશત છે ત્યારે આ સમસ્યાના નિવારણ માટે ના હોય તો વૈજ્ઞાનિક ઢબે અને ટેકનોલોજીનો ઉપયોગ કરી કાયમી ધોરણે કઇ રીતે નિવારણ થઇ શકે તેમ છે તે દિશામાં પગલાં લેવા સૂચન કર્યું હતું. હાઇકોર્ટે શહેરમાં જોખમી ભુવાઓને મુદ્દે વર્તમાનમાં અને ભવિષ્યમાં શું કામગીરી થશે તે અંગે પણ અમ્યુકો પાસેથી જવાબ માંગ્યો છે. અમ્યુકો સત્તાધીશો દ્વારા જૂની પાઇપલાઇનના ભંગાણ અને કોન્ટ્રાકટરોને નોટિસ ફટકારાઇ હોવાનું જૂનું ગાણું ગાયું હતુ પરંતુ કોર્ટે તેનાથી કોઇ સંતોષ વ્યકત કર્યો ન હતો અને અમ્યુકોની દલીલ ફગાવીને કોઇપણ સંજોગોમાં તાત્કાલિક ધોરણે શહેરમાં વિવિધ વિસ્તારોમાં પડેલા જોખમી અને ભયંકર ભુવાઓનું નિવારણ કરવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે આ અંગે જે કામગીરી કરી હોય તેનો પ્રગતિ અહેવાલ પણ આગામી સપ્તાહે રજૂ કરવા હુકમ કર્યો હતો. દરમ્યાન શહેરમાં ટ્રાફિક નિયમન અને પાર્કિંગ મુદ્દે ટ્રાફિક પોલીસ અને પોલીસ તંત્ર દ્વારા ચાલી રહેલી અસરકારક ઝુંબેશની કામગીરીની હાઇકોર્ટે આજે પ્રશંસા કરી હતી અને આ પ્રકારે ઝુંબેશ સતત ચાલુ રાખવા ટ્રાફિક પોલીસને નિર્દેશ કર્યો હતો. દરમ્યાન હાઇકોર્ટે તાજેતરમાં ચોમાસા દરમ્યાન હડતાળ પાડવાના સફાઇ કામદારોના વલણ પરત્વે ભારે નારાજગી વ્યકત કરી હતી અને તેઓને ચેતવણી આપી હતી કે, આ પ્રકારે તેમના પ્રશ્નોના નિરાકરણ માટે હડતાળનું શસ્ત્ર ઉગામાય તે યોગ્ય નથી. આ માટે બીજા વિકલ્પો અને રસ્તા પણ હોય છે. પરંતુ આ પ્રકારે આમજનતાને મુશ્કેલી પડે તે રીતે હડતાળ પાડવી કોઇપણ રીતે સાંખી લેવાશે નહી.

(8:13 pm IST)