Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

આણંદની સુપરમાર્કેટમાં ભોંયરામાં વરસાદનું પાણી ટપકતા વેપારીઓને હાલાકી

આણંદ:માં નગરપાલિકા નિર્મિત વર્ષો જુના શોપિંગ સેન્ટર સુપર માર્કેટના ભોંયરામાં ભરાતા વરસાદી પાણી તેમજ દુકાનોમાં ટપકતી છતને કારણે સ્થાનીક વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. દુકાનોમાં ટપકતી છતને કારણે વેપારીઓનો મોંઘામુલા માલ પલડી જઈ તેમને લાખો રૃપીયાનું નુકશાન થઈ રહ્યું હોવની ફરીયાદો સુપર માર્કેટ ભોંયરાના વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. દાયકાઓ વિતાવી ચુકેલી આણંદની સુપરમાર્કેટનું દાયકાઓથી કોઈપણ જાતનું સમારકામ થયું નથી. ૩૦૦થી વધુ દુકાનો સુપર માર્કેટમાં આવેલી છે. તેમાય કેટલાક વેપારીઓએ સ્થાનીક તંત્ર સાથે સાંઠગાંઠ રાખી દુકાનોમાં સુધારા વધારા કરી આજુબાજુની જગ્યાઓ ઉપર દબાણો કરી સુપર માર્કેટને સાંકળી માર્કેટ બનાવી દિધી છે. જ્યારે સુપર માર્કેટમાં રોજબરોજના સેંકડો ગ્રાહકો માટે પાર્કીંગ સહિત પ્રાથમીક સુવિધાઓના મામલે મીંડું છે. વર્ષોના ચોમાસાઓના માર સહન કરી ચુકેલી સુપર માર્કેટની સ્થીતી હાલમાં ખસ્તાહાલ જોવા મળી રહી છે ત્યારે સમગ્ર સુપર માર્કેટના વેપારીઓની ચોમાસા દરમ્યાન સ્થીતી કફોડી બની જતી હોય છે. તેમાય ખાસ કરીને સુપર માર્કેટના ભોંયરામાં આવેલ ૩૦થી વધુ દુકાનોના વેપારીઓ માટે ચોમાસું આફતો અને મુશ્કેલીઓ લઈને જ આવતું હોવાનું ભોંયરાના વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

 

(3:42 pm IST)