Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

૨૦૧૯ ચૂંટણી સાર્વભૌમત્વની રક્ષા માટેનું એક યુદ્ધ : વાઘાણી

લોકસભા ચૂંટણીની વ્યૂહરચના પર વર્કશોપમાં વ્યાપક ચર્ચા થઈ : ૨૦૧૪ પછીની દેશની તમામ ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે જે દર્શાવે છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના લોકોને સંપૂર્ણ વિશ્વાસ : ભૂપેન્દ્ર યાદવ

અમદાવાદ, તા.૨૯ : લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ભાજપે જોરદાર તૈયારીઓ હાથ ધરી છે. આના ભાગરૂપે આજે કમલમ ખાતે પ્રદેશ ભાજપનો એકદિવસીય વર્કશોપ યોજાયો હતો. જેમાં તમામ ટોચના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય મહામંત્રી, પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતિષ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પ્રદેશસ્તરનો એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજની આ કાર્યશાળા યોજવામાં આવી છે. યુદ્ધ પહેલના શાંતિ સમયમાં જે પક્ષ સુવ્યવસ્થિત આયોજન અને તૈયારી કરે તે પક્ષ યુદ્ધ આસાનીથી જીતી શકે છે. આ કાર્યશાળામાં ઉપસ્થિત નવનિયુક્ત પ્રભારી ટીમે દરેક લોકસભામાં બુથ સુધીના કાર્યકર સાથે યોગ્ય સંકલન કરીને એક ઉત્તમ વ્યવસ્થા દ્વારા ચૂંટણી જીતવાની દિશામાં કાર્ય કરવાની વાત કરવામાં આવી હતી. વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી એક વૈચારિક લડાઈ છે. ચૂંટણી દેશના ગૌરવ તથા દેશના સાર્વભૌમત્વની રક્ષા માટેનું યુદ્ધ છે. સંગઠન, સંકલન, સમન્વય અને યોગ્ય વ્યવસ્થાનો ઉપયોગ કરીને ગુજરાત ભાજપનો કાર્યકર અપેક્ષિત પરિણામ લાવવા હંમેશા કટિબદ્ધ હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જેવા ગુજરાતના સપૂત જ્યારે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે એક ગુજરાતી તરીકે તથા ભાજપના કાર્યકર તરીકે આપણી જવાબદારી વધી જાય છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ દ્વારા સતત ભ્રમ ફેલાવી પ્રજાને ભયભિત કરવાનું વાતાવરણ ઉભું કરવાનું મલીન કાર્ય કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજા કલ્યાણના નક્કર કાર્યોને લોકો સુધી પહોંચાડીને ફરીથી ગુજરાતની તમામ લોકસભા સીટો પર ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા કટિબદ્ધ બનવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવે કહ્યું હતું કે તમામ વિપક્ષો એક છે તેવો ભ્રમ કોંગ્રેસ અને વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવી રહ્યો છે પરંતુ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન વખતે એનડીએનું સંખ્યાબળ ૩૧૫ હોવા છતાં અને શિવસેનાની ગેરહાજરી હોવા છતાં ૩૨૫ મતથી કેન્દ્ર સરકારે જીત મેળવી હતી. વિપક્ષી એકતાનો ફુગ્ગો ફુટી ગયો હતો. પારદર્શક શાસન વ્યવસ્થા અને ભ્રષ્ટાચારવિહિન રાજનીતિ અને પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ ભાજપની ઓળખ છે. ૨૦૧૪ પછીની તમામ ચૂંટણીઓમાં ભાજપનો વિજય થયો છે જે દર્શાવે છે કે દેશના લોકોને મોદીના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ છે. કોંગ્રેસ દ્વારા જાતિવાદ ભડકાવીને નિમ્ન કક્ષાના પ્રયત્ન કરવામાં આવ્યા છે છતાં છઠ્ઠી વખત પણ ગુજરાતમાં ભાજપનો વિજય થયો હતો. યાદવે કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં અમિત શાહના નેતૃત્વમાં કાર્યયોજના બનાવવામાં આવી રહી છે. બેઠકદીઠ પ્રભારીઓની ટીમ બની રહી છે. જે આગામી દિવસોમાં સોંપાયેલા લોકસભા ક્ષેત્રમાં જઈને કાર્યકરો સાથે સંકલન કરી ચૂંટણી જીતવા નીતિ બનાવશે.

(9:12 pm IST)