Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

રથયાત્રાની પૂર્વસંધ્‍યાએ અમદાવાદના સુપ્રસિધ્‍ધ જગન્‍નાથજી મંદિરમાં વિધાનસભાના અધ્યક્ષ ડૉ..નીમાબેન આચાર્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ રણછોડરાયજીની મહાઆરતી કરી

અષાઢી બીજના પવિત્ર દિવસે રાજ્યના ખેડૂતો પર અમી વર્ષા થાય તેવી રણછોડરાયજીને પ્રાર્થના કરી છે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ: આસ્થા અને વ્યવસ્થાના પ્રતિક સમી અમદાવાદની રથયાત્રા સૌથી મોટો ધાર્મિક ઉત્સવ :સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રથયાત્રાના આયોજન સંદર્ભે ૧૦ દિવસમાં ૩૬૫ મહોલ્લા અને રક્ષા સમિતિની બેઠક કરીને સર્વે સમાજના લોકોને સમગ્ર વ્યવસ્થાપનમાં જોડ્યા- મંત્રી હર્ષભાઈ સંઘવી: સૌપ્રથમવાર હેલિકોપ્ટરમાંથી ભગવાનના રથ પર પુષ્પવર્ષા બાદ રથયાત્રા નીકળશે

ગાંધીનગર : વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંધવીએ અમદાવાદની ૧૪૫મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભકિતભાવ પૂર્વક ભગવાન જગન્નાથજીની મહાઆરતી કરી હતી.
મહાઆરતી બાદ મીડિયા મિત્રોને સંબોધતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, , અષાઢી બીજના પવિત્ર દિવસે સમગ્ર રાજ્યમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રથયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે ભગવાન જગન્નાથજીની કૃપાથી રાજ્યના ખેડૂતો પર મેઘમહેર થકી અમી વર્ષા થાય તેવી પ્રભુને પ્રાર્થના કરી છે.
કોરોનાની વિકટ પરિસ્થિતિની વચ્ચે બે વર્ષ બાદ અમદાવાદમાં  રથયાત્રાનું પૂર્વવત આયોજન થઈ રહ્યું છે ત્યારે તમામ નાગરિકોને  ભક્તિભાવપૂર્ણ  રથયાત્રામા જોડાઈને ભગવાન જગન્નાથજીની ભક્તિમાં ભક્તિમય બનવા મંત્રીશ્રી એ અનુરોધ કર્યો હતો.
આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે રથયાત્રા માટે ગુજરાત પોલીસના ઝીણવટભર્યા  આયોજન અને સુદ્રઢ વ્યવસ્થાપનને આ પ્રસંગે બિરદાવ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું કે, અમદાવાદમાં યોજાતી રથયાત્રા સૌથી મોટો ધાર્મિક ઉત્સવ છે ત્યારે યાત્રામાં આવતા તમામ દર્શનાર્થીઓ સલામતી પુર્ણ  નિશ્ચિત પણે ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે તેવી સુંદર વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
પરંપરાગત સુરક્ષા પધ્ધતિ અને ટેકનોલોજીના સુગમ સમન્વય સાથે સલામતી પૂર્ણ રથયાત્રાનું આયોજન કરાયું છે.
આ વર્ષની રથયાત્રાનુ હેલિકોપ્ટર થી ફુલ વર્ષા કરીને પ્રારંભ કરાવવામાં આવશે તેવું ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું.
રથયાત્રાના સૌહાર્દપૂર્ણ આયોજન માટે ગુજરાત પોલીસે સોશિયલ પોલીસીંગનો ઉપયોગ કરીને છેલ્લા ૧૦ દિવસમાં ૩૬૫ મહોલ્લા બેઠક અને શાંતિ સમિતિની બેઠકમાં સર્વે સમાજના યુવાનો, આગેવાનો અને મહિલાઓને જોડીને રથયાત્રાને સફળ બનાવવાના તમામ પ્રયાસો હાથ ધર્યા છે.
અમદાવાદની રથયાત્રામાં 25,000 જેટલા પોલીસ જવાનો સમગ્ર વ્યવસ્થાપનમાં જોડાવાના છે ત્યારે આસ્થા અને વ્યવસ્થાનું પ્રતિક સમી અમદાવાદ શહેરની રથયાત્રાના સમગ્રતયા આયોજનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ બિરદાવ્યું છે તેમ ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતુ.
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે આ પ્રસંગે જણાવ્યું કે , ભગવાનની ૧૪૫મી રથયાત્રાની ભક્તજનોને શુભકામના પાઠવું છું. બે વર્ષ પછી નીકળી રહેલી આ રથયાત્રામાં સહભાગી થવા અને પ્રભુના દર્શન મેળવવા ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે પ્રશાસન દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે, તેમાં આપણે સૌ સાથ-સહકાર આપીએ અને પ્રભુની નગરચર્યાના સાક્ષી બનીએ. મીડિયાના માધ્યમથી પણ ભકતજનો ઘરે બેઠા પ્રભુના દર્શનનો લાભ લઇ શકશે.
રથયાત્રા પૂર્વેની મહાઆરતીમાં વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય , અમદાવાદ શહેર મેયર કિરીટભાઈ પરમાર, મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજકીય અગ્રણી રત્નાકરજી, પ્રદીપસિંહ વાઘેલા, અમિતભાઈ શાહ, અમદાવાદના ધારાસભ્યો અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આલેખનઃ અમિતસિંહ ચૌહાણ, મીનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ

(9:34 pm IST)