Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

અષાઢના શુભારંભે સુરતમાં ધોધમાર ૪ ઇંચ

શહેરના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાયા : ઉમરપાડામાં ૬ ઇંચ જનજીવનને અસર

સુરત તા. ૩૦ : સુરત શહેર - જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્‍તારોમાં જળબંબાકારની સ્‍થિતિ જોવા મળી હતી. આજે સવારથી ખાબકેલા વરસાદને પગલે એક તરફ જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત થઈ ગયું હતું તો બીજી તરફ રાબેતા મુજબ મહાનગર પાલિકાના પ્રિ-મોન્‍શુન કામગીરીની પણ પોલ ખુલી જવા પામી હતી. વરાછામાં ગણતરીનાં કલાકોમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતાં રસ્‍તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા.

અષાઢના શુભારંભ સાથે જ સુરત શહેર - જિલ્લામાં બારે મેઘખાંગા જેવી સ્‍થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા હળવાથી ભારે વરસાદની આગાહી વચ્‍ચે આજે સવારથી જ શહેરના મોટા ભાગના વિસ્‍તારોમાં મેઘરાજાનું આગમન જોવા મળ્‍યું હતું. વરાછા - કતારગામ - કાપોદ્રા સહિતના વિસ્‍તારોમાં તો ગણતરીનાં કલાકોમાં શ્રીકાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્‍તારોમાં ઘુંટણિયા સુધી પાણી ભરાઈ જવા પામ્‍યા હતા. સરકારી ચોપડે નોંધાયેલા આંકડા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં વરાછા ઝોન - એ અને બીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ નોંધાવા પામ્‍યો છે. જયારે સેન્‍ટ્રલ ઝોનમાં ૧૨ મીમી, રાંદેર ઝોનમાં ૧૭ મીમી, કતારગામમાં ૩૮ મીમી, લિંબાયત, અઠવા અને ઉધના ઝોનમાં ત્રણ - ત્રણ મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના ઉમરપાડામાં છ ઈંચ વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થવા પામ્‍યું હતું.

(3:40 pm IST)