Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

હીરા પર GST ૧.૫૦ ટકા કરાતા હીરાઉદ્યોગકારોની રૂા. ૩૦૦૦ કરોડથી વધુની જામ મૂડી યુટિલાઇઝ થશે

હીરાઉદ્યોગકારો લાંબા સમયથી કટ અને પોલિશ્‍ડ હીરા પર ૦.૨૫ ટકાથી વધારવાની માંગ કરી રહ્યા હતા : જીએસટી કાઉન્‍સિલની ૪૭મી મિટિંગમાં લેવાયેલા નિર્ણયથી સુરતના ૯૦ ટકા કરતા વધારે હીરાઉદ્યોગકારોને લાભ

સુરત તા. ૩૦ : જીએસટી કાઉન્‍સિલની મિટિંગમાં મંગળવારે કટ અને પોલિશ્‍ડ હીરા પર જીએસટીનો દર ૦.રપથી વધારીને ૧.૫૦ કરવામાં આવ્‍યો છે. હીરાઉદ્યોગકારો લાંબા સમયથી તેના માટે માંગણી કરી રહ્યા હતા. જીએસટી કાઉન્‍સિલના આ નિર્ણયથી હીરાઉદ્યોગમાં ખુશીનો માહોલ છે. હીરાઉદ્યોગ સાથે જોડાયેલા જાણકારોનું માનવું છે કે આ નિર્ણયને પગલે હીરાઉદ્યોગકારોની આશરે ૩૦૦૦ કરોડ જેટલી વણવપરાયેલી મૂડી જે આઇટીસી તરીકે જામ હતી તેનો ઉપયોગ કરી શકાશે.
હીરાઉદ્યોગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ જીએસટી લાગુ થયા બાદ કટ અને પોલિશ્‍ડ હીરા પર ૦.ર૫ ટકા જીએસટીનો દર કરવામાં આવતા હીરાઉદ્યોગકારો દ્વારા વિરોધ કરવામાં આવ્‍યો હતો. હીરાઉદ્યોગકારોની ફરિયાદ હતી કે તેઓને કટ અને પોલિશ્‍ડ હીરાના વેચાણ પર ૦.૨૫ ટકા લેખે જીએસટી ચૂકવવાનો હોય છે જયારે કોઈ પણ વસ્‍તુ ખરીદે ત્‍યારે વધારે જીએસટી ચૂકવવી પડે છે જેમ કે સર્ટિફિકેશન પર ૧ ૮ ટકા અને મશીનરી ખરીદવા પર ૧૮ ટકા લેખે જીએસટી ચૂકવવી પડતી હતી. એક બાજુ માત્ર ૦.૨૫ ટકા અને બીજી બાજુ ૧૮ ટકા જીએસટીને લીધે હીરાઉઘોગકારોની મોટી રકમ વણવપરાયેલી આઇટીસી તરીકે બ્‍લોક થઈ જતી હતી. જેનું રિફંડ પણ મળતું નહતું. આ રીતે હીરાઉદ્યોગકારોની ૩૦૦૦ કરોડની મૂડી આઈટીસી તરીકે પડી રહી હતી.
હીરાઉદ્યોગકારોએ આ સંદર્ભે રજૂઆત કરી હતી. જેને જીએસટી કાઉન્‍સિલની મિટિંગમાં માન્‍ય રાખી કટ અને પોલિશ્‍ડ હીરા પર જીએસટીનો દર ૦.રપથી વધારીને ૧.૫૦ ટકા કરવામાં આવ્‍યો છે.

હીરાઉદ્યોગકારો આઇટીસી ઉપયોગ કરી શકતા ન હતા

અત્‍યાર સુધી રફ ડાયમંડ અને કટ અને પોલિશ્‍ડ હીરા પર ૦.૨૫ એકસમાન જીએસટીનો દર હોવાથી રિફંડ મળતું ન હતું. હીરાઉદ્યોગકારોની માંગ પછી કટ પોલિશ્‍ડ હીરા પર જીએસટી ૧.૫૦ ટકા કરવામાં આવ્‍યો છે. જેનાથી હીરાઉદ્યોગકારો વધેલી આઇટીસી યુટિલાઝડ કરી શકશે. હીરાઉદ્યોગકારોની વર્કિંગ કેપિટલ સુધરશે.

ધવલ સોનાણી (સીએ)

૩૦૦૦ કરોડ રૂપિયાની મૂડી આઇટીસી તરીકે જામ હતી

જીએસટી કાઉન્‍સિલ દ્વારા હીરાઉદ્યોગકારોની રજૂઆતો સ્‍વીકારાતા હીરાઉદ્યોગને ફાયદો મળશે. જીએસટી લાગુ થયા બાદ કટ અને પોલિશ્‍ડ હીરા પર ૦.૨૫ ટકા જીએસટીનો દર તેની સામે અન્‍ય ખરીદીમાં જીએસટીનો દર વધારે હોવાથી ઉદ્યોગકારોની મૂડી વણવપરાયેલી હતી. આ રીતે આશરે ૩૦૦૦ કરોડની મૂડી જામ હતી. જે હવે યુટિલાઇઝ થઇ શકશે.

- દિનેશ નાવડિયા (રિજનલ ચેરમેન, જીજેઇપીસી)

 

(2:59 pm IST)