Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ગુજકેટ માટેની ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ: 4થી જુલાઇ સુધી ભરી શકશે ફોર્મ

ઘણાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી હોવાથી નિર્ણય લેવાયો

 

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજકેટ માટે 30 જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાથી ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. નિર્ણય મુજબ હવે 4 જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવી છે. ફોર્મ સાથે રૂ. 300 ઓનલાઈન ફી ભરવાની રહેશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ગુજકેટની જાહેરાત કરી હતી. જેમાં માહિતી પુસ્તિકા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સુચનાઓ બોર્ડ દ્વારા આપવામાં આવી હતી. ગુજકેટ માટે આવેદનપત્રો 23 જૂનથી 30 જૂન દરમિયાન ઓનલાઈન ભરવા માટે બોર્ડ દ્વારા સુચના આપવામાં આવી હતી.

દરમિયાન આજે તા.30મી જૂનના રોજ ગુજકેટ માટે ફોર્મ ભરવાની મુદ્દત પુર્ણ થયા બાદ પણ કેટલાક વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં બાકી રહી ગયા હોવાની માહિતીના આધારે બોર્ડ દ્વારા ગુજકેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની મુદ્દતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ હવે ગુજકેટ માટેના આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ 30 જૂનથી લંબાવી 4 જુલાઈ સુધી કરવામાં આવી છે

(11:24 pm IST)