Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કાલથી ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં વિનામૂલ્યે વેક્સિનેશન કામગીરીનો પ્રારંભ

ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરીને વિદ્યાર્થીઓથી માંડીને સ્ટાફ મેમ્બર્સને વેકસીન અપાશે

અમદાવાદ :ગુજરાત યુનિવર્સીટી ખાતે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા કાલ તા.1લી જુલાઇથી કોવિડ વેક્સીનેશનની કામગીરી સેનેટ હોલ ખાતે શરૂ કરાશે ,યુનિવર્સીટીમાં ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશનની કામગીરી કરી અને વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મેમ્બર્સને કોવિડ વેકસીન વિનામૂલ્યે આપશે. બપોરે 12થી 4ના સમયગાળામાં આ વેકસીન આપવામાં આવશે. એક સપ્તાહ સુધી યુનિવર્સીટીમાં વેકસીન આપવામાં આવશે. 100થી 150 જણાંને વેકસીન આપવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ ડો. હિંમાશુ પંડયાએ જણાવ્યું છે કે, અગાઉ પણ તા.23મી જૂનથી 26 જૂન સુધી ત્રણ દિવસ 12 સેન્ટરો પરથી વેકસીન આપવામાં આવી હતી. આવતીકાલથી ગુજરાત યુનિવર્સીટીમાં બીજો રાઉન્ડ શરૂ થશે. મોટાભાગે પરમદિવસ તા. બીજી જુલાઇથી યુનિવર્સીટીના સંલગ્ન ચાર કોલેજો એચ.એ. કોમર્સ કોલેજ, સહજાનંદ કોલેજ, આશ્રમ રોડ ખાતેની નવગુજરાત કોલેજ, લો ગાર્ડન સ્થિત જીઅરલેસ કોલેજમાં વેકસીન આપવાનો પ્રારંભ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં છેલ્લાં કેટલાંક દિવસોથી રસીની અછતના કારણે લોકોને કેન્દ્રો પર જઇને ધક્કા ખાવા પડતાં હોવાની બૂમરેગ ઉઠી હતી. જો કે હવે રસીના ડોઝ પુરતા પ્રમાણમાં આવી ગયા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. પરિણામ સ્વરુપે જ ગુજરાત યુનિવર્સીટીમાં રસી આપવાની કામગીરીનો પ્રારંભ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બીજી તરફ ગુજરાત યુનિવર્સીટીની પરીક્ષાઓનો પ્રારંભ પણ થવાનો છે. જો કે આ વેકસીનેશનનો રાઉન્ડ તેના કારણે શરૂ કરવામાં આવ્યો હોવાનું સત્તાવાર સૂત્રોએ નકારી કાઢયું છે.

(11:06 pm IST)