Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

નડિયાદમાં વોર્ડ નં-1માં તળાવની માટી કાઢવા બે સમાજના એક જ જૂથ સામસામે આવતા મામલો ગંભીર

નડિયાદ:શહેરના વોર્ડ નં-૧ માં આવેલ પીજ રોડ પરના ટેલિફોન એકસચેન્જ સામે આવેલ તળાવની માટી કાઢવા એક જ સમાજના બે જૂથો લોહીયાળ બન્યા હતા. આ બનાવ અંગે નોધાયેલ ફરિયાદ પ્રમાણે નગર પાલિકા સભ્ય રમેશભાઇએ નવઘણભાઇ ભરવાડને તળાવની માટી કાઢવાના કામની સોપણી કરી હતી. જે અંગે નવઘણભાઇ અને સંગ્રામભાઇ સાથે માટી કાઢવા અંગે મનદુખ થયુ હતુ. જેની જાણ પાલિકા સભ્ય રમેશભાઇને થતા તેમને આ કામ બંધ કરાવ્યુ હતુ. જે અંગે  ગત તા.૩ જૂનના રોજ નવ વાગ્યાની અરસામાં સંગ્રામભાઇ ભરવાડ અને અન્ય વ્યક્તિઓ નવઘણભાઇ ભરવાડના ઘરે લાકડીઓ,ફરસી,પાઇપો  લઇને પહોચી ગાળો બોલી લાકડી અને પાઇપો વડે હુમલો કર્યો હતો.

આ બનાવ સંદર્ભે લીલુબેન જાગાભાઇ ભરવાડે સાત વ્યક્તિઓ અને બીજા ત્રણ ચાર વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામાપક્ષે નવઘણભાઇ કાળાભાઇ ભરવાડે સોળ વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંઘાવી હતી. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને અત્યાર સુધી લીલુબેન ભરવાડે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ આરોપીઓમાંથી છ વ્યક્તિઓની અટકાયત કરી છે. જ્યારે સામાપક્ષે નવઘણભાઇ ભરવાડે નોંધાવેલ ફરિયાદમાં સોળ વ્યક્તિઓમાંથી ફક્ત ચાર વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. આશરે સત્યાવીશ વ્યક્તિઓમાંથી દસ  જેટલા જ વ્યક્તિઓની અટકાયત કરાતા આ બનાવમાં ભીનુ સંકેલાયુ હોવાના અથવા સહેતુક ગોકળગાયની ગતિએ તપાસ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો થયા છે.

(5:48 pm IST)