Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ગાંધીનગર નજીક અગાઉના ઝઘડાની અદાવત રાખી ચાર શખ્સોએ પિતા-પુત્ર પર લાકડીથી હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર: શહેર નજીક આવેલા રાંધેજા ગામમાં અગાઉના ઝગડાની અદાવત રાખીને ગામમાં જ રહેતા ચાર શખ્સો દ્વારા પિતા-પુત્ર ઉપર લાકડીઓથી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બન્ને ઘાયલોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો આ ઘટના અંગે પેથાપુર પોલીસે ફરીયાદના પગલે ચારેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.   

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજા ગામમાં જોગેશ્વર મહાદેવ પાસે રહેતા અને ગાંધીનગર ફાયર બ્રિગેડમાં નોકરી કરતાં તેજસ વિનોદભાઈ પટેલે ફરીયાદ નોંધાવી હતી કે ગઈકાલે રાતના સમયે તેઓ ઘરે હતા અને ગળામાં દુખાવો થતાં બાઈક લઈને દવા કરાવવા માટે ગયા હતા. જયાંથી પરત ફરતાં તેમના બાઈકને ગામમાં જ રહેતાં બાબુભાઈ આત્મારામ રાવળ અને અનિલભાઈ બાબુભાઈ રાવળે નીચે પાડી દઈ માર માર્યો હતો. તેમના મિત્રએ તેજસને વધુ મારમાંથી છોડાવ્યો હતો. ત્યારબાદ રાત્રે તેમના ઘર પાછળ બુમાબુમ થતાં કેટલાક શખ્સો દ્વારા બારી ઉપર લાકડીઓથી ફટકા મારવામાં આવતાં હતા. ઘરની પાછળ બાબુભાઈ અનિલભાઈ તેમજ પરેશ બાબુભાઈશૈલેષ બાબુભાઈ લાકડીઓ લઈને આવ્યા હતા અને ઘર આગળ આવી તેજસને મારી નાંખવાનો છે તેમ કહી હુમલો કરી દીધો હતો. તેજસના પિતા વિનોદભાઈ વચ્ચે પડતાં તેમને પણ માથામાં લાકડીઓ મારી હતી. આ મારામારીના પગલે આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવતાં આ શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા. બન્ને ઘાયલોને સારવાર માટે ૧૦૮ એમબ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેજસને ચાર વર્ષ અગાઉ અનિલભાઈ સાથે થયેલા ઝગડાની અદાવત રાખી આ હુમલો થયો હોવાની ફરીયાદ થઈ છે. હાલ તો આ અંગે પેથાપુર પોલીસે ચારેય શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

(5:38 pm IST)