Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

મોબાઇલના વીઆઇપી નંબર આપવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર શખ્‍સને અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે ઝડપી લીધો

અમદાવાદ: મોબાઈલના વીઆઈપી નંબર આપવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર એક શખ્સની અમદાવાદ સાયબર ક્રાઇમેં ધરપકડ કરી છે. જે છેલ્લા બે વર્ષથી વીઆઈપી નંબર આપવાના બહાને અલગ-અલગ એકાઉન્ટમાં પૈસા ભરાવી વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ચીટીંગ કરી ચૂકયો છે.

પોલીસ ગિરફતમાં આ આરોપીને ધ્યાનથી જુઓ, હાઈટ કમ ફાઈટ જ્યાદા દેખાતો આરોપી ધૃવિલ ઉર્ફે રવિ મહેતા છે. આરોપી અમદાવાદમાં આવેલ નવાવાડજ વિસ્તારમાં રહે છે. પણ તેના કારસ્તાન શરીર અને હાઇટ દેખ્યા બાદ  વિશ્વાસ નહીં થાય તેવા છે. જી હા આ એજ માસ્ટર માઇન્ડ આરોપી છે કે, જેણે વીઆઇપી નંબર આપવાના બહાને એક વ્યક્તિ પાસેથી બે વર્ષમાં દોઢ કરોડ રૂપિયાની છેતરપીંડી આચરી ચૂક્યો છે. જોકે અમદાવાદ સાયબર ક્રાઇમ આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આરોપી કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરેલો છે. સાથે જ  2 વર્ષ પહેલાં આરોપી vodafone કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. પણ  લોકડાઉનમાં આરોપી બેરોજગાર થતા તે પોતાના મોજશોખ નોહતો કરી શકતો અને તેને જ કારણે આ પ્રકારની ચિટિંગ આચરવાનું નક્કી કર્યું હતું . એટલું જ નહીં આરોપીએ ફરિયાદીને વિશ્વાસ આવે તે માટે ફરિયાદીના એકાઉન્ટમાં 11 લાખ રૂપિયા મોકલાવ્યા હતા. અને વીઆઈપી નંબર ખોટું ઈનવોઇસ પણ મોકલી આપ્યુ. જોકે સાયબર ક્રાઇમની ટીમે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કરતાં આરોપીએ તમામ પૈસા મોજશોખ અને ઐયાશી કરવામાં વાપરી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ તો સાઇબર ક્રાઇમ આરોપીના તમામ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:13 pm IST)