Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

મહેસાણા જીલ્લાના યાત્રાધામ બહુચરાજી ગ્રામ પંચાયતે કોરોનાકાળમાં માનવતા મહેકાવીઃ સરપંચે સ્‍વખર્ચે 24 કલાક વિનામૂલ્‍યે એમ્‍બ્‍યુલન્‍સ સેવા શરૂ કરી

મહેસાણાઃ કોરોના કાળમાં એક તરફ ધંધા-રોજગાર પડી ભાંગ્યા હોવાના ચોમેર સમાચારો ચર્ચામાં છે. સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત સાધન-સામગ્રી અને દવાઓમાં પણ છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી સ્થિતિની વચ્ચે યાત્રાધામ બહુચરાજી ગ્રામ પંચાયત દ્વારા માનવતા મહેકાવવાનું કામ કરવામાં આવ્યું છે. કોરોના મહામારીમાં યાત્રાધામ બહુચરાજી ગ્રામ પંચાયતના સરપંચ દેવાંગ પંડ્યાએ પોતાના ખર્ચે  24 કલાક એમ્બ્યુલન્સ સેવા વિના મૂલ્યે શરૂ કરી. તેમની આ પહેલ જોઈ અન્ય બે યુવાનો પણ આ સેવા કાર્યમાં જોડાયા. જેમણે અન્ય એક બીજી એબ્યુલન્સ પંચાયતને ભેટ અપાઈ. બહુચરાજીમાં અત્યાર સુધી એક પણ એમ્બ્યુલન્સ હતી નહિ ત્યારે હવે 2 એમ્બ્યુલન્સ તાલુકા વાસીઓને મળતા ઈમરજન્સી દરમિયાન તમામ દર્દીઓને તેનો સીધો લાભ મળશે.

બહુચરાજી પંથક મહેસાણા જિલ્લામાં થોડો પછાત ગણાય છે. આ વિસ્તારમાં સુવિધાઓનો આભાવ જોવા મળતો હોય છે. કોરોના મહામારીમાં આવોજ અભાવ ઇમરજન્સી સેવાનો હતો. કોરોનાની સારવાર માટે જિલ્લા મથક કે અન્ય મોટા શહેર સુધી પહોંચવા બહુચરાજી સિવિલ સિવાય એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ ન હતી. ત્યારે યાત્રાધામ બહુચરાજી ના યુવા સરપંચ દેવાંગ પંડ્યા દ્વારા સ્વ ખર્ચે એક 24 કલાક વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવા પંચાયતને એ એમ્બ્યુલન્સ વાન અર્પણ કરી. તેમની આ સેવા થી પ્રભાવિત થઈ બાજુના કાલરી ગામના 2 યુવાનો પણ આગળ આવ્યા અને અન્ય એક એમ્બ્યુલન્સ વાન સેવા માટે આપવાની જાહેરાત કરી .

હાલ બહુચરાજી માં બે ઇમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સ વાન મળી ગઈ. બહુચરાજી થી મોટા સીટી સુધી પહોંચતા કેટલાય લોકોના જીવ જોખમમાં મુકતા હતા હવે આ સેવાથી ગરીબ લોકોને સીધો લાભ મળી રહેશે. યાત્રાધામ બહુચરાજી માટે ખૂબ સારા સમાચાર કહી શકાય. બહુચરાજી તાલુકાની ગરીબ અને પછાત વર્ગ માટે મહેસાણા, પાટણ કે અમદાવાદ ઉચ્ચ સારવાર માટે જવા માટે એમ્બ્યુલન્સ સેવા નહિ હોવાથી પ્રાઇવેટ વિહિકલ માં મોંઘો ચાર્જ ચૂકવવો પડતો હતો જેને ધ્યાનમાં રાખી બહુચરાજી ગ્રામજનો તેમજ તાલુકાના લોકો માટે બહુચરાજી ગ્રામ પંચાયત અને ઉત્સાહી સરપંચ આગળ આવ્યા છે તે અભિનંદનને પાત્ર છે. હાલમાં કોરોનાનું ગ્રામ્ય સ્તરે સંક્રમણ ખૂબ વધી રહ્યું છે ત્યારે આ સેવા ચોક્કસ ગરીબ વર્ગ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે.કોરોના મહામારી આ સેવા ખૂબ મદદ રૂપ થઈ રહી છે લોકો તેનો મોટા પ્રમાણમાં લાભ પણ લઈ રહ્યા છે અને આ સેવાને બિરદાવી રહ્યા છે.

(5:10 pm IST)