Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

શું દૂધ જીવન માટે જોખમી બની શકે ?

પશુઓ એફલાટોકસીન બી-૧ અને બી-ર નામનો દુષીત ચારો ખાઇ લે છે, તેમાંથી એફલાટોકસીન એમ-૧ અને એમ-ર બને છે જે દૂધમાં પણ ભળી જતુ હોય છે, આ તત્વ એક પ્રકારની ફંગસ છે, જે જોખમી છે માટે ચારાની સતત તપાસ થવી જોઇએ

ભારતીય ખાદ્ય સંરક્ષા અને માનક પ્રાધીકરણ (એફએસએસએઆઇ)એ દેશભરમાં દૂધ ઉપર વિસ્તૃત સર્વે કર્યો જેના પરીણામ લગભગ બે વર્ષ પહેલા જાહેર કરાયા હતા. આ મુજબ દૂધમાં મોટી માત્રામાં એફલાટોકસીન અને કેન્સરને પોષતા ખતરનાક તત્વો મળે છે!  તમીલનાડુ, દિલ્હી અને કેરળમાં દૂધમાં મોટી માત્રામાં એફલાટોકસીનનું પ્રમાણ મળ્યું છે. એફલાટોકસીન ફંગશજન્ય ર૦ ઝેરયુકત પદાર્થ છે. એમા પ્રમુખ છે  એ. ફલેવસ, એ. પેરાસીટીકસ અને એે.નોમીયસ. જે પાક ઉપર એફલાટોકસીનનો પ્રકોપ હોય છે તેમાં મોટા પ્રમાણમાં એફલાટોકસીન  બી-૧ મળી આવે છે. જયારે ગાય, ભેંસ, બકરી કે બીજા પશુ એફલાટોકસીન બી-૧, બી-ર દુષીત ચારો ખાય છે ત્યારે તેમના લીવરમાં એફલાટોકસીન એમ-૧ અને એમ-ર બને છે. જે તેમના દુધમાં પણ આવી જાય છે. આ દૂધ આપણે પીએ છીએ માટે આપણા માટે પણ ખતરનાક સાબીત થાય છે.

એફલાટોકસીન મોટી માત્રામાં ઝેર ધરાવતો પદાર્થ છે. જેની અસર લાંબા સમય સુધી રહે છે.  એફલાટોકસીન  બી-૧,એમ-૧ લીવરને નુકશાન પહોંચાડી સીરોસીસ ઓફ કેન્સરનું કારણ બની શકે છે. આંતરરાષ્ટ્રીય કેન્સર અનુસંધાન એજન્સી (આઇએઆરસી) તેને કેન્સરનું પોષક માને છે. એફલાટોકસીન પેદા કરવાવાળી ફંગસ ગરમ વિસ્તારોમાં પાકને પ્રભાવીત કરે છે. સામાન્ય રીતે મગફળી, મકાઇ અને કપાસ ઉપર મળી આવે છે. પરંતુ તે ઘઉ, તલ, ફળ અને ફલીયો ઉપર પણ મળી આવે છે. એસ્પસવિલસ ફલેવસ અને એસ્પસવિલસ પેરાસીટીકસ નામની ફંગસ માટીમાં પણ વકરે છે. ફંગસને વકરવા માટે ઓછામાં ઓછુ રપ ડીગ્રી તાપમાન જોઇએ છે. પરંતુ ૧૦ થી ૧ર ડીગ્રીમાં પણ તે વિકસવા લાગે છે.  દુષ્કાળ  પડવાથી ફંગસની શકયતા વધી જાય છે. પાક વાઢીને તેને ગોદામમાં સ્ટોર કરવા દરમિયાન ફંગસ વકરે છે. જયાં પાક સુવાવવામાં સમય લાગતો હોય અને ભેજયુકત વાતાવરણ હોય ત્યાં ફંગસ વકરી શકે છે. પાકના ઢગલામાં ઉંદર અને કીડાથી સંક્રમણ ફેલાવવાનો ખતરો રહે છે. ખેતરોમાં ફેલાતા એફલાટોકસીન ફંગસ અનાજના ભંડારો, ટ્રન્સપોર્ટેશનથી લઇને ઢોર-ઢાખર સુધી પહોંચતા ચારાની પુરેપુરી શ્રૃંખલા સુધી પહોંચે છે. પશુ-પક્ષીઓના ખાનપાન મારફત તે ઇંડા અને દુકમાં પહોંચે છે. દૂધ ખાદ્ય શ્રૃંખલામાં એફલાટોકસીન પહોંચાડવાનું મુખ્ય સ્ત્રોત છે. તેમાં એમ-૧ અને બી-૧ બંને પ્રકારના એફલાટોકસીન મળી આવે છે. દૂધમાં મળી ગયા બાદ તેને ઉકાળવા પેશ્ચ્યુરાઇઝ કરવા છતા તેનો નાશ થતો નથી.

ફેબ્રુઆરી-ર૦૧૮માં પ્રકાશીત ડબલ્યુ એચઓના એક રીપોર્ટ મુજબ ફંગસથી કેન્સરનું જોખમ છે. ૧ કિલોગ્રામ ખાવામાં માત્ર ૧ મીલીગ્રામ એફલાટોકસીન હોય તો તેનાથી જીવ ઉછળવો, ઉલ્ટી, પેટનો દુઃખાવો, લીવર ખરાબ થવું, કમળો થવો સહીતની બિમારીઓ થવા લાગે છે. તેનાથી દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે. એકથી ત્રણે સપ્તાહના સમયમાં એફલાટોકસીન  બી-૧ની ર૦થી ૧ર૦ માઇક્રોગ્રામ પ્રતિ કિલોગ્રામ ડોઝનું સેવન દરરોજ કરવાથી ઝેરયુકત બની ઘાતક સાબીત થાય છે. આનાથી સંક્રમીત વ્યકિતના ડીએનએ પણ ખરાબ થઇ શકે છે. જેની અસર આગલી પેઢીઓ ઉપર પણ જોવા મળે છે.

માટે પશુઓને ખવડાવવામાં આવતા ચારાની સતત તપાસ થવી જોઇએ. દુધની તપાસ પણ દરરોજ થવી જોઇએ.કોઇ પણ ખેડુત દ્વારા લવાતુ દૂધ ખરાબ જણાય તો તરત રોકી દેવું જોઇએ. ખેડુતોને આ ફંગસ બારામાં જાગૃત કરવા જરૂરી છે. ડેરી માલીકોને પણ આ ફંગસની જાણકારી હોતી નથી. દૂધ બાળકોનો મુખ્ય આહાર છે. માટે દુધ દેવાવાળા પશુઓને અપાતા ચારા માટે ખાસ સતર્કતા રાખવી જોઇએ.

(4:14 pm IST)