Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

દેશમાં હિટ એન્ડ રનના કેસમાં ગુજરાત ૧૦મા નંબરેઃ ૫ વર્ષમાં ૧૧ હજારથી વધુ કેસ નોંધાયા

ગાંધીનગર, તા. ૩૦ :  અમદાવાદમાં શિવરંજની પાસે બનેલ હિટ એન્ડ રનના બનાવે ફરી અનેક સવાલોને જન્મ આપ્યો છે. રાજયમાં અનેક હિટ એન્ડ રનના બનાવો બની ગયા છે. હાઇપ્રોફાઇલ યુવકો પોતાના મોજશોખના ગુમાનમાં અનેક ગરીબ લોકોના જીવ લઇ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં ભૂતકાળમાં બનેલા મહત્વના હાઇપ્રોફાઇલ કેસની વિગતો પર નજર કરીએ.

પ્રથમ વાત કરીએ શિવરંજની કેસની, પર્વ શાહ નામના યુવકે એક શ્રમજીવી પરિવારને અડફેટે લીધો. જેમાં એક મહિલાનું મોત થયું. આ કેસમાં માતાનું મોત થતા ૩ સંતાનો નોંધારા બની ગયા છે. છેલ્લા સમાચાર મુજબ પર્વ શાહે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. અને, તેને કોર્ટમાં રજુ કરાશે.

અમદાવાદનો વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસ, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ ગ્પ્ષ્ કારમાં જઇ રહેલા વિસ્મય શાહે જજીસ બંગલો પાસે બે બાઇકચાલકોને અડફેટે લીધા હતા. જેમાં બંને બાઇકચાલકો મોતને ભેંટયા હતા. જે બાદ વિસ્મય શાહ ફરાર થયો.

૨૭ ફેબ્રુઆરીના રોજ વિસ્મય શાહ પોલીસ સમક્ષ હાજર થયો હતો. બાદમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મય શાહને ૫ વર્ષની સજા ફટકારી. તથા, મૃતકોના પરિવારને ૫ લાખ વળતરનો આદેશ કર્યો હતો. ત્યારબાદ વિસ્મય શાહે હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટનું શરણ લીધું હતું. પરંતુ, કોર્ટે તેની અરજીની ફગાવી દીધી હતી.

સુરતમાં અતુલ બેકરી હિટ એન્ડ રન કેસ,  સુરતમાં માર્ચ, ૨૦૨૧માં યુનિવર્સિટી રોડ પર લકઝુરિયસ કારચાલકે બે ટૂ-વ્હીલર ચાલકને અડફેટે લીધા. કારચાલક અતુલ બેકરીનો માલિક અતુલ વેકરિયા દારૂના નશામાં કાર હંકારી રહ્યો હતો. ત્યાં હાજર લોકોના ટોળાએ અતુલ વેકરીયાને પકડી ઉમરા પોલીસને હવાલે કર્યો હતો. બીજી તરફ, યુવતીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ મોત થયું હતું.

આ ઘટનામાં અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જોકે, અતુલ વેકરિયા રાજકીય વગ ધરાવતા હોવાથી ૨૪ કલાકમાં જામીન મળી ગયા હતા. બે દિવસ બાદ વેકરીયા વિરૂદ્ધ મનુષ્યવધની કલમનો ઉમેરો થયો. બાદમાં અતુલ વેકરિયાનો દારૂ પીધો હોવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જેથી મોટર વ્હીકલ એકટ ૧૮૫ની કલમ ઉમેરાઇ હતી.

નોંધનીય છેકે છેલ્લા ૫ વર્ષમાં ૧૧ હજારથી વધુ હિટ એન્ડ રન કેસ નોંધાયા હોવાનું ફેબ્રુઆરી ૨૦૨૧માં વિધાનસભા સત્રમાં સરકારે સ્વીકાર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્વીકાર્યુ કે વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ સુધીમાં રાજયમાં કુલ ૧૧, ૪૧૧ હિટ એન્ડ રનના કેસ બન્યા છે. સાથે જ પાંચ વર્ષમાં અકસ્માત કરીને ભાગી છૂટવાના બનાવોમાં ૬૭૨૭ નાગરિકોનાં મોત થયા છે, જ્યારે ૬૪૨૯ નાગરિકો ઘાયલ થયા હતા.

ગુજરાતમાં અકસ્માત કરીને આરોપીઓ ફરાર થવાની ઘટનામાં વધારો થયો છે. આવા અકસ્માતોમાં દરરોજ સરેરાશ ૩થી વધુનાં મોત થતા હોવાનો દાવો છે. ૫ વર્ષમાં ગુજરાતમાં ૧૧, ૪૧૧ હિટ એન્ડ રનના પોલીસ કેસ છે, જેના અડધા ઉપરાંતના ૫૫૭૦ આરોપી વાહનચાલકો હજી સુધી પકડાયા નથી.

સુરત જિલ્લામાં જ પાંચ વર્ષમાં હિટ એન્ડ રનમાં સૌથી વધુ ૧૨૫૪ નાગરિકોને જીવ ગુમાવ્યા છે. જેમાં ૧૬૪૨ આરોપીઓ હજું પકડાયા નથી. સુરત બાદ અમદાવાદમાં સૌથી વધુ ૯૪૫ લોકોના મોત થયા છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૭ સુધીમાં ૧૮,૦૮૧ અકસ્માત થયા. અને જેમાંથી ૭૨૮૯ વ્યકિતનાં મોત થયાં. આમ, ભારતમાં સૌથી વધુ માર્ગ અકસ્માત થયા હોય એવાં રાજ્યોમાં ગુજરાત ૧૦મા ક્રમે છે. જે એક ચિંતાજનક બાબત છે.

(3:42 pm IST)