Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

નર્મદા જિલ્લાની ૯૫૨ આંગણવાડી કેન્દ્રના ૧૯,૮૫૨ ભૂલકાંઓને ઘેર ઘેર જઇને યુનિફોર્મ વિતરણનો જિલ્લામાં થયેલો પ્રારંભ

સાંસદ મનસુખભાઇ વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે ૬ લાભાર્થી ભૂલકાંઓને પ્રતિક રૂપે બે જોડી યુનિફોર્મનું કરાયું વિતરણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ ગાંધીનગર ખાતેથી ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ તેમજ વન અને આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવા, મહિલા અને બાળ કલ્યાણના રાજયકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, મહિલા અને બાળ કલ્યાણના સચિવ અને કમિશનર કે.કે. નિરાલા તેમજ નિયામક ડી.એન. મોદી વગેરેની ઉપસ્થિતિમાં ડિજીટલ માધ્યમથી વિડીયો કોન્ફરન્સ દ્વારા  રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાં ઓને યુનિફોર્મ વિતરણ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં નર્મદા જિલ્લા કલેકટરાલય ખાતે ભરૂચ સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ શ્રીમતી શ્રધ્ધાબેન બારીયા, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, નિવાસી અધિક કલેક્ટર એચ.કે વ્યાસ, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાકુમારી પટેલ, આંગણવાડીના લાભાર્થી ભૂલકાંઓ વગેરેએ પણ આ કાર્યક્રમમાં  જોડાઇને તેમાં સહભાગી બન્યા હતા,
  નવી શિક્ષણ નીતિ અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત બનાવવા આંગણવાડીમાં અભ્યાસ કરવા આવતા બાળકોના સર્વાંગી વિકાસ માટે રૂા. ૫ કરોડની પા... પા... પગલી યોજના અમલી બનાવવાનું આયોજન કરાયું હોવાનું મુખ્યમંત્રી એ જણાવ્યું હતું.
  રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લાકક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લાના ૬ લાભાર્થી ભૂલકાંઓને યુનિફોર્મ આપી પ્રોત્સાહિત કરાયાં હતાં. આજથી જિલ્લાની ૯૫૨ આંગણવાડીના ૩ થી ૬ વર્ષના ૧૯,૮૫૨ લાભાર્થી ભૂલકાંઓને રૂા.૪૯.૬૩ લાખના ખર્ચે બે જોડી યુનિફોર્મ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઘેર ઘેર જઇને વિતરણની કામગીરી શરૂ કરાઇ છે, જે આગામી બે થી ત્રણ દિવસમાં પૂર્ણ કરાશે.

(10:19 pm IST)