Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ડેટા એન્ટ્રીના નામે લોકોને છેતરતી ટોળકી ઝડપાઇ : ચાર મહિલા સહીત છ આરોપી પકડાયા : મુખ્ય સૂત્રધાર ફરાર

કામ આપવાની લાલચ આપી કોન્ટ્રાકટ ભંગ થયાનું જણાવી લોકોને ખંખેરતા : સુરતથી ચાલતા નેટવર્કનો સાઇબર ક્રાઇમે કર્યો પર્દાફાશ

અમદાવાદ : ડેટા એન્ટ્રીના નામે લોકોને કામ આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકીને સાયબર ક્રાઈમે ઝડપી પાડી છે. જો કે, હાલ આ ટોળકીમાં મુખ્ય સૂત્રધાર ફરાર છે અને પોલીસે ચાર મહિલા સહિત છ શખ્સોની ધરપકડ કરી છે. આ લોકો સામે કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે આરોપીઓ મૂળ સુરત વિસ્તારના રહેવાસી છે. અને આ શોર્ટકટથી રૂપિયા કમાવા માટે ડેટા એન્ટ્રીનું કામ આપવાના બહાને કેવી રીતે છેતરપિંડી કરતા તે જાણીને આપ ચોંકી જશો. સૌપ્રથમ સોશિયલ મીડિયામાં અને ન્યૂઝપેપરમાં એડવર્ટાઈઝમેન્ટ આપી ડેટા એન્ટ્રીનું કામ આપવાનું કહીને પોતાના ષડયંત્રમાં લોકોને ફસાવતા હતા. નાગરિકો આ ડેટા એન્ટ્રીનું કામ કરી આપે બાદમાં તેમના કામમાં કોન્ટ્રાક્ટ ભંગ થયો હોવાનું બહાનું કરી તેમને રૂપિયા ચૂકવવાને બદલે પોલીસ કાર્યવાહી કરવાની ધમકી આપતા.

આરોપીઓની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી સુરતમાં બેઠા બેઠા આ પ્રકારનું કોલ સેન્ટર ચલાવાતું હતું. 25 થી પણ વધુ નાગરિકોને ડેટા એન્ટ્રીનું કામ આપવાના બહાને છેતરપિંડીના તેમની ભોગ બનાવ્યા છે. જોકે હજુ પણ વધુ ગુનાના ભેદ ઉકેલાય તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. છેતરપિંડી કરવાની આ નવી મોડેસ ઓપરેન્ડી અંગે પોલીસને ઈ-મેલ મારફતે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સંખ્યાબંધ ફરિયાદ મળતાં ટેકનિકલ સર્વેલન્સ આધારિત તપાસ શરૂ કરી હતી.

જેમાં સાઇબર ક્રાઇમને ચાર મહિલા અને બે યુવકોની ધરપકડ કરવામાં સફળતા મળી. પરંતુ આ મહિલાઓ અમુક વધુ રૂપિયાની લાલચે નોકરી કરતા હોવાનું સામે આવ્યુ છે. પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે 9 મોબાઈલ કબજે કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. ત્યારે આવનારા દિવસોમાં ડેટા એન્ટ્રીના નામે છેતરપિંડી કરનારી ગેંગના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે તે બાબત પણ સામે આવશે.

(10:01 pm IST)