Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

બોગસ બિલ કૌભાંડમાં ત્રણનાં જામીન કોર્ટે અંતે ફગાવી દીધા

૨૪.૫૫ કરોડની કરચોરી હોવાથી અરજી ફગાવી : ૧૮૨ કરોડનાં બોગસ બિલ કૌભાંડમાં સીએ સહિત ત્રણને જામીન નહીં આપવા જીએસટીએ અંતે રજૂઆત કરી હતી

અમદાવાદ,તા.૩૦વાપીની ઓર્થોપેડીક પાર્ટસ બનાવતી કંપનીએ રૂ. ૧૮૨ કરોડના બોગસ બિલિંગથી રૂ. ૨૪ કરોડની બોગસ આઇટીસી મેળવ્યાના કૌભાંડ સ્ટેટ જીએસટીએ  સીએ જશ્મીન શાહ, પીયૂષ જૈન, મુકેશ પ્રજાપતિ અને મિતેશ શાહની ધરપકડ કરી  હતી. આરોપીઓ દ્વારા કરવામાં આવેલ જામીન અરજીમાં જીએસટી દ્વારા કોર્ટને કહ્યુ કે બોગસ બિલીંગ કરીને આંગડિયા મારફતે કરોડના હવાલા પાડયા છે. આરોપીઓ દ્વારા ૨૪.૫૫ કરોડની કરચોરી આચરી હોવાથી જામીન અરજી ફગાવી દીધી છે.   જીએસટી દ્વારા સીએ જશ્મીન શાહ, પીયૂષ જૈન, મુકેશ પ્રજાપતિ અને મિતેશ શાહની તાજેતરમાં ધરપકડ કરી હતી. દરમ્યાનમાં આરોપીઓ દ્વારા જામીન અરજી કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, તેઓ નિર્દોષ છે જેથી જામીન આપવા જોઈએ.

          ખાસ સરકારી વકીલ સુધીર ગુપ્તાએ કોર્ટને જણાવ્યુ હતુ કેજીએસટી દ્વારા ૧૯ જૂને સંજય મહેતા તથા ૨૨ જૂને સીએ જશ્મીન શાહ, પીયૂષ જૈન, મુકેશ પ્રજાપતિ અને મિતેશ શાહને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. સંજય શાહ અને પીયૂષ જૈને અને જશ્મીન શાહ સાથે મળીને બોગસ મેન પાવરના ૧૮૨ કરોડના બિલો બનાવ્યા હતા. બિલો વાપીની ફાર્માસ્યુટીકલ કંપનીને આપી તેના પરથી રૂ. ૨૪ .૫૫ કરોડની ખોટી આઇટીસી મેળવી લીધી હતી. કૌભાંડની મોડસ ઓપરેન્ડી અમદાવાદના પુંડરીક ત્રિવેદીએ આપી હતી.

          વાપીની ફાર્માસ્યુટીકલ કંપનીમાં બોગસ મેન પાવર સપ્લાયના બીલો બનાવી તેના નાણાં આરટીજીએસ કે ચેક દ્વારા બોગસ પેઢીઓના ખાતામાં જમા કરાવામાં આવતા હતા. બોગસ પેઢીઓના ખાતામાંથી રોકડા કે શ્રોફની મદદથી આંગડિયા દ્વારા ફાર્માસ્યુટીકલ કંપનીની સૂચના મુજબ દેશના અલગ અલગ સ્થળોએ મોકલી આપવામાં આવતા હતા.બોગસ કંપની, બોગસ બીલો કેવી રીતે બનાવા, મળેલ રોકડને આંગડીયા થકી કેવી રીતે હેરફેર કરવી તે શીખવાડ્યું હોવાના પુરાવા છે. જો આરોપીઓને જામીન પર મુકત કરવામાં આવશે તો પુરાવા સાથે ચેડા થવાની શકયતા નકારી શકાય નહીં. કોર્ટે ત્રણેય આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.

(10:45 pm IST)