Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

બે દેશના દાવપેચથી દૂર ચીની યુવકને પડોશી ખૂબ સાચવે છે

તણાવ વચ્ચે પાડોશી ધર્મ નિભાવતો પરિવાર : સિચુઆનના રહેવાસી મા હાઈ ગુઓએ ડિસેમ્બર ૨૦૧૬માં ચાંદખેડામાં રહેતી પલ્લવી ગૌતમની સાથે લગ્ન કર્યા હતા

અમદાવાદ, તા. ૩૦ : ચીન સાથેની અથડામણમાં કેટલાક ભારતીય જવાનો શહીદ થયા બાદ સમગ્ર દેશવાસીઓમાં ભારે રોષ જોેવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરી રહી છે, તો સરકારે પણ હાલમાં ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છેથોડા દિવસ પહેલા એવા પણ ન્યૂઝ હતા કે, એક રેસ્ટોરાં માલિકે ચાઈનીઝ લોકોને પોતાની રેસ્ટોરાંમાં પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે. જો કે, સ્થિતિ વચ્ચે પણ અમદાવાદમાં છેલ્લા મહિનાથી પત્ની સાથે રહેતો એક ચાઈનીઝ યુવક એકદમ સહી-સલામત છે અને બધું તેમના સારા પાડોશીઓને આભારી છે. વાત એમ છે કે, મૂળ ચીનના સિચુઆનના રહેવાસી ૩૦ વર્ષના યુવક મા હાઈ ગુઓએ ડિસેમ્બર ૨૦૧૬માં ચાંદખેડામાં રહેતી પલ્લવી ગૌતમ સાથે લગ્ન કર્યા હતા.

          માએ ભારતીય નામ 'માહી' અડોપ્ટ કર્યું છે, તે વર્ષના જાન્યુઆરીથી પલ્લવી સાથે તેના ચાંદખેડા સ્થિત ફ્લેટમાં રહે છે. ૧૬ જૂને લદ્દાખની ગલવાન વેલીમાં અથડામણ થયા બાદ ભારત-ચીન વચ્ચે તણાવ વધી ગયો છે. પરંતુ પલ્લવીના પાડોશીઓ વ્યક્તિગત સંબંધોને આંતરરાષ્ટ્રીય સંબંધોના દાવપેચથી દૂર રાખી રહ્યા છે. પાડોશીઓ માહી તેમનો જાણે તેમનો સગો જમાઈ હોય એટલું સારી રીતે ધ્યાન રાખી રહ્યા છે.   માહી ચાઈનીઝ સેલફોન કંપનીના કર્મચારી તરીકે ૨૦૧૫માં અમદાવાદની મુલાકાતે આવ્યો હતો અને પલ્લવી તે સમયે તેની ઈન્ટરપ્રિટર હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને બીજા વર્ષે બુદ્ધિઝમ રીતિ-રિવાજથી તેમણે લગ્ન કરી લીધા. લગ્ન બાદ કપલ સિચુઆન રહેવા જતું રહ્યું હતું. પરંતુ ચીનમાં કોરોના વાયરસ ફેલાતા તેઓ જાન્યુઆરીમાં ભારત આવી ગયા. કોવિડની સ્થિતિ થાળે પડે તે પહેલા ભારત-ચીન વચ્ચેના સંબંધો વણસ્યા.

             ' બંને સ્થિતિ દરમિયાન મારા પરિવારે અને પાડોશીઓએ મારુંં અને મારા પતિનું ખૂબ ધ્યાન રાખ્યું, કે જેથી અમે શહેરમાં શાંતિથી રહી શકીએ', તેમ પલ્લીએ જણાવ્યું હતું. પાડોશીઓ તો માહીનું વધારે ધ્યાન રાખે છે અને તેની સાથે વાતચીત કરવા માટે તેઓ ઓનલાઈન ટ્રાન્સલેટિંગનો ઉપયોગ કરે છે. કેટલાક પાડોશીઓ તો જ્યારે તે બહાર જાય ત્યારે તેને કંપની આપવા માટે સાથે પણ જાય છે. તો બીજી તરફ માહી પણ પાડોશીઓ સાથે ખૂબ સારી રીતે હળીભળી ગયો છે. તે સોસાયટીના બાળકો સાથે રમે છે અને તેમને ચાઈનીઝ ભાષા પણ શીખવાડે છે. પલ્લવીના પાડોશમાં રહેતા ૧૮ વર્ષનના અપૂર્વ પરમારે કહ્યું કે, 'માહીનો સ્વભાવ સારો છે. અમે તેની સાથે હેંગઆઉટ કરીએ છીએ કારણ કે તે પ્રેમાળ છે. સિવાય તેને અહીંયા એકલું લાગે તે માટે અમે પૂરતા પ્રયાસ કરીએ છીએ'.

(7:46 pm IST)