Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

શાળા -કોલેજો બંધ છતા ફી વસુલવા સામે રાજ્યભરમાં આક્રોશઃ અમદાવાદમાં ૨૦ની અટકાયત

અમદાવાદ,તા.૩૦: સમગ્ર રાજયમાં કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન ચાલી રહ્યું છે તેવામાં હાલમાં રાજયની તમામ શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. પરંતુ તેમ છતાં રાજયમાં અનેક શાળાઓ દ્વારા ફીની કડક ઉદ્યરાણી કરવામાં આવી રહી છે. ત્યારે આવી શાળાઓનો વિરોધ કરવા વાલી એકતા મંડળનાં સભ્યોએ એકઠાં થઇને તેનો વિરોધ કર્યો છે. શહેરનાં અનેક વિસ્તારોમાં તેમજ રાજયનાં કેટલાંક શહેરોમાં પણ રાજયભરમાં ૩ મહીનાની ફી માફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

આ દરમ્યાન અમદાવાદનાં નિકોલમાં વાલીઓ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યાં છે. જેમાં નિકોલથી સાયકલ દ્વારા વાલીઓ શાળાઓમાં જઇને આવેદન પત્ર આપવા માટે પહોંચવાના હતાં. આ માટે નિકોલમાં આવેલી સ્કૂલમાં ગુજરાત વાલી એકતા મંડળનાં સભ્યો એકઠા થયાં હતાં. પરંતુ વાલીઓ તેનો વિરોધ કરે તે પહેલાં જ તેઓની પોલીસે અટકાયત કરી લીધી. પોલીસે NSUIનાં નેતા નિખિલ સવાણી સહિત ૫૦થી વધુ વાલીઓની અટકાયત કરી છે.

મહત્વનું છે કે નિકોલ પાસે આવેલી સ્કૂલમાં ગુજરાત વાલી એકતા મંડળનાં કાર્યકર્તાઓ એકઠા થયા જેને પગલે સ્કૂલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. જો કે વિરોધ કરી રહેલાં વાલીઓની પોલીસે અટકાયત પણ કરી લીધી છે. નિકોલ પોલીસે વાલી મંડળનાં અધ્યક્ષ જયેશ પટેલ અને NSUI નાં નેતા નિખિલ સવાણી સહિત ૨૦થી વધુ વાલીઓની અટકાયત કરી છે.ગુજરાત વાલી એકતા મંડળનાં આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે, 'હાલમાં શાળાઓ બંધ છે. સંચાલકોને ખર્ચ નથી થઈ રહ્યો, ત્યારે તેનો લાભ શાળા સંચાલકોએ વાલીઓને આપવો જોઈએ. શાળાઓ વાલીઓને હિતમાં રાખીને યોગ્ય નિર્ણય લે તે જરૂરી છે.

જો સંચાલકો ફી ઉઘરાવશે તો વાલીઓનાં રોષનો સામનો કરવો પડશે. સરકારે ફી માટે શાળાઓને દબાણ ના કરવા કહ્યું છે. પરંતુ નક્કર નિર્ણય જાહેર કર્યો નથી. જેને લીધે કોરોના સંકટ સાથે સાથે વાલીઓએ શાળા સંચાલકો તરફથી પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.'

(4:05 pm IST)