Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

પત્નીની હત્યા કરીને આત્મહત્યામાં ખપાવવા પતિએ મૃતદેહ લટકાવી દીધો : અંતિમ સંસ્કાર વખતે જ પોલીસે ભેદ ઉકેલ્યો

નજીવી બાબતે ઝઘડો થતા ઘરમાં ગળેટુંપો આપી હત્યા કરી મૃતદેહને લટકાવી આત્મહત્યાની ફરિયાદ કરનાર આરોપી પતિની ધરપકડ

રાજપીપળા:  નર્મદા જિલ્લામાં પરિણીત સ્ત્રીની આત્મહત્યાની ફરિયાદ નોંધાઈ પણ પત્નીની અંતિમવિધિ પૂર્ણ થાય ત્યાં સુધીમાં પોલીસે પતિની કરતૂતનો પર્દાફાશ કરી દીધો. પોલિસ તપાસમાં પતિએ જ પત્નીની હત્યા કરી એને આત્મહત્યામાં ખપાવવા પોતાની પત્નીનો મૃતદેહ લટકાવી દીધો હોવાનું બહાર આવ્યું છે.

 

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના સામોટ ખાતે રહેતી 25 વર્ષીય સીતાબેન મગનભાઈ વસાવા અને એના પતિ મગનભાઈ જાતરિયાભાઈ વસાવા વચ્ચે નાની નાની બાબતે ઝઘડો થયા કરતો હતો. હાલમાં જ પત્ની સીતાબેને પતિ મગન વસાવાને કહ્યું કે તમે કેમ જલ્દી ખેતરમાં પાણી વાળવા જતા નથી, હવે આ જ નાની બાબતે બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો.

 

આ ઘટના બાદ ડેડીયાપાડા પોલિસ મથકમાં એવી ફરિયાદ નોંધાઈ કે પત્ની સીતાબેને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. ડેડીયાપાડાનાં PSI એ. આર. ડામોરને આ વાત ગળે ન ઉતરી, એક તરફ પત્નીનું અંતિમ સંસ્કાર ચાલી રહ્યું હતું ત્યારે ગણતરીના સમયમાં જ પોલીસે આ ફરિયાદનો ભેદ ઉકેલી કાઢ્યો હતો

 

ડેડીયાપાડા PSI એ. આર. ડામોર સહિત અન્ય પોલીસ કર્મીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી ત્યારે “પતિ મગન વસાવાએ પોતાની પત્ની સીતાબેનની 27/6/2020 ના રોજ સવારે મોહબૂડી (ઉપલી) ગામની સીમમાં આશનબાર વિસ્તારમાં આવેલ પોતાના કાચા ઘરમાં ગળે ટુંપો આપી હત્યા કરી હતી અને આ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે ત્યાં જ પત્નીના મૃતદેહને લટકાવી દઈ એના કપડા પણ બદલી કાઢ્યા હોવાની ઘટના તપાસ દરમિયાન બહાર આવી હતી.

 

ડેડીયાપાડા પોલીસે આ હત્યા મામલે પતિ મગન વસાવા વિરુદ્ધ ગુનો નોંધી એની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ડેડીયાપાડા PSI એ. આર. ડામોરે જણાવ્યું હતું કે ઘટના સ્થળ પર અમે જ્યારે ગયા અને જોયું ત્યારે જ અમને ખ્યાલ આવી ગયો હતો કે આ હત્યા જ છે. પોસ્ટ મોર્ટમમાં પણ ડોક્ટરે એવો અભિપ્રાય આપ્યો કે આ હત્યા છે આત્મહત્યા નથી. હાલ તો અમે આરોપી પતિની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

(1:17 pm IST)