Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ગુજરાતનો જીડીપી દર ૧૨.૪ ટકા જેટલો ઘટવા શકયતા

દેશમાં સૌથી વધુ આવક પણ મહારાષ્ટ્ર બાદ ગુજરાતની જ ઘટશે

નવી દિલ્હી, તા.૩૦: કોરોનાના કપરા સમયમાં દેશનું અર્થતંત્ર સ્વતંત્ર ભારતના ઈતિહાસની સૌથી મોટી મંદી જોશે પરંતુ, ભારતમાં સૌથી ખરાબ સ્થિતિ પીએમ મોદીના વતન ગુજરાતની જ થશે. ગુજરાત ધંધા-રોજગાર માટે વિદેશ અને શ્રમ માટે અન્ય રાજયો પર આધારિત છે. શ્રમિકો વતન પરત ફરતા હવે અર્થતંત્ર ઝડપભેર પાટે ચઢવાના કોઈ સંકેત નથી. આ વર્ષે ભારતમાં સૌથી વધુ જો કોઈ મોટા રાજયનો જીડીપી દર ઘટશે તો તે ગુજરાતનો છે. ગુજરાતનો જીડીપી દર ૧૨.૪ ટકા જેટલો ઘટવાની સંભાવના છે. ગોવા બાદ ગુજરાતનું અર્થતંત્ર સૌથી વધુ કોરોનાગ્રસ્ત થશે. માત્ર જીડીપી દર જ નહિ પરંતુ, દેશમાં સૌથી વધુ આવક પણ મહારાષ્ટ્ર બાદ ગુજરાતની જ દ્યટશે. આમ ગુજરાતને ડબલ ઝટકો પડશે. ભારતમાં વ્યાપ્ત કોરોના વાયરસને કારણે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનની નેગેટિવ અસરો હવે ધીમે ધીમે સામે આવતી જાય છે. ઇન્ડિયા રેટિંગ્સ અને રિસર્ચના જણાવ્યાં અનુસાર આર્થિક પ્રવુતિઓ પર રોક લાગવાથી રાજયોની જીડીપીમાં ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન ૧૪.૩ ટકાનો ઘટાડો થશે.

ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચએ જણાવ્યું હતું કે અસમ, ગોવા, ગુજરાત અને સિક્કિમ જેવા રાજયોમાં ડબલ ડિજિટમાં ઘટાડાની સંભાવના છે. બીજી તરફ કર્ણાટક, ઝારખંડ, તામિલનાડુ, કેરળ અને ઓડિશામાં લોકડાઉનની સૌથી વધુ અસરો જોવા મળી છે. અહેવાલમાં જણાવાયું છે કે પાંચ મોટા રાજયો જયાં લોકડાઉનની અસર સૌથી ઓછી જોવા મળી હતી તેમાં મધ્યપ્રદેશ, પંજાબ, બિહાર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.

ભારતમાં લોકડાઉન દરમિયાન કૃષિ પ્રવૃત્તિઓ પર ઓછી અસર પડી હતી તેથી કૃષિનો વધુ હિસ્સો ધરાવતા રાજયોને ઓછો નુકસાન થવાની ધારણા છે. આ ઉપરાંત કેટલાક પેટા ક્ષેત્રોમાં ખાસ કરીને બેન્કિંગ અને નાણાકીય સેવાઓ, આઇટી અને આઇટી-સક્ષમ સેવાઓ જેવી સેવાઓ પર ઓછી અસર પડી કારણ કે તેઓ તેમના વ્યવસાયિક કામગીરીમાં ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હતા. આ કારણે તેઓ વર્ક ફ્રોમ હોમની મદદથી પોતાની સર્વિસ ચાલુ રાખી હતી.

(12:00 pm IST)