Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

હોસ્ટેલની સામે તપાસ બદલ શિક્ષકને સાથીએ ધમકી આપી

શિક્ષકોએ જ શિક્ષણ લજવી કાઢ્યું :શિક્ષક જો ભણાવેલા સારા પાઠના પાટા પરથી ઉતરી જાય તો ચોક્કક્સ શિક્ષણ લજવ્યું છે એમ કહીએ તો ખોટું નથી

રાજપીપળા, તા. ૨૯ : જીવનના ઘડતરમાં માતા-પિતા બાદ જો કોઈનો અમૂલ્ય ફાળો હોય તો તે એક શિક્ષકનો કહી શકાય. એક શિક્ષક જ ભણતરની સાથે જીવનના સારા-નરસા પાસાની સમજ આપી સમાજમાં શ્રેષ્ઠ સાબિત થવાના પાઠ ભણાવે છે પણ એ જ શિક્ષક જો લોકોને ભણાવેલા સારા પાઠના પાટા પરથી ઉતરી જાય તો એણે ચોક્કક્સ શિક્ષણ લજવ્યું છે એમ કહીએ તો ખોટું નથી. અહીં વાત છે નર્મદા જિલ્લાના બે શિક્ષકોની, કે જેમણે પોતાના જ સાથી શિક્ષકને વેરભાવ રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. શિક્ષકોની આ કરતૂતનો મામલો સાગબારા પોલીસ મથકમાં પહોંચ્યો છે. ફરિયાદ મુજબ, નર્મદા જિલ્લાના સેલંબાના ખોચરપાડા ગામે છેલ્લા ૨૦ વર્ષથી પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા અને સેલંબા આંબાવાડી ફળિયામાં પોતાના પરિવાર સાથે રહેતા મહેન્દ્રભાઈ દિનાભાઈ વસાવા પરિવાર સાથે પોતાના ઘરે હતા એ દરમિયાન એમના અન્ય સાથી શિક્ષકો ગૌતમ કંથડ વસાવા અને મોતીસિંગ છત્રસિંગ વસાવા અચાનક આવી પહોંચ્યા હતા, અને કેહવા લાગ્યા કે "તું કેમ સીઝનલ હોસ્ટેલની ઈન્કવાયરીની અરજી કરે છે ? સાથે મન ફાવે એવા અપશબ્દો બોલી તું અમને ગમે ત્યાં મળીશ તો તને જાનથી મારી નાખીશું." એવી ધમકી આપી જતા રહ્યા હતા.

                એ બન્ને ફરી પાછા રાત્રે ઘરે આવ્યા હતા અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.અગાઉ એમના મિત્ર ધરમદાસ આટિયા વસાવાને પણ ગૌતમ કંથડ વસાવા અને મોતીસિંગ છત્રસિંગ વસાવાએ ફોન પર કહ્યું હતું કે મહેન્દ્ર દિનાભાઈ વસાવા અમને મળશે તો અમે એને મારી નાખીશું. હવે આ ફરિયાદ લઈને મહેન્દ્રભાઇસાગબારા પોલીસ મથકમાં ગયા હતા, સાગબારા પોલીસે એ બન્ને શિક્ષક ગૌતમ કંથડ વસાવા અને મોતીસિંગ છત્રસિંગ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા જિલ્લાના અંતરિયાળ સાગબારામાં સીઝનલ હોસ્ટેલના નામે મસ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની અગાઉ પણ બુમો ઉઠી હતી.ઘણા ખરા શિક્ષકો પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાની વાતોએ વેગ પકડ્યો છે, ત્યારે સેલંબાના શિક્ષક મહેન્દ્રભાઈ દિનાભાઈ વસાવાને આ જ બાબતે અન્ય શિક્ષકો દ્વારા ધમકી મળી છે ત્યારે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે એવી જિલ્લાના શિક્ષકોની માંગ છે.

(10:07 pm IST)