Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

બનાસકાંઠાના ભટવાર ગામમાં અેક સંતાનના બાપે પરિણીતાનું અપહરણ કરી દુષ્‍કર્મ આચર્યુ

બનાસકાંઠાઃ બનાસકાંઠામાં વાવના ભટવાર ગામે રહેલી એક પરણિત યુવતીનું દોઢ મહિના અગાઉ રાત્રીના સમયે એક સંતાનના પિતા એવા ધવલ આચાર્ય નામના યુવકે અપહરણ કર્યું હતું. ધવલે તેના બે મિત્રોની મદદથી યુવતીને ઇકો સ્પોર્ટ્સ કારમાં અપહરણ કરી તેને અમદાવાદ લઈ ગયો હતો અને ત્યાર બાદ રાજસ્થાનના બાડમેર, અબુરોડ અને એમપીના ઇન્દોર ખાતે અલગ અલગ હોટેલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

જો કે બાદમાં યુવતીના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે ધવલ આચાર્યને યુવતી સાથે ઝડપી પડ્યો હતો, તે સમયે યુવતી તેના પરીવારજનો સાથે જવાની ના પાડતા પોલીસે આ યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં સોંપી હતી, પરંતુ બાદમાં 15 દિવસ બાદ આ યુવતીએ વાવ પોલીસ મથકે આવી દુષ્કર્મ આચરનાર ધવલ અને તેને મદદ કરનાર સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા બી એ ચાવડાએ જણાવ્યું કે, વાવની યુવતીનું અપહરણ થયું હતું, તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, યુવક સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઇ છે, પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ એક સંતાનનો પિતા ધવલ અગાઉ જ્યારે આ યુવતી ઊંઝા રહેતી હતી ત્યારે તેના પિતાના સંપર્કમાં આવી ઘરે આવ જા કરી પારિવારિક સબંધો કેળવ્યા હતા અને બાદમાં જ્યારે આ યુવતી ઊંઝાથી વાવના ભટવાર ગામે રહેવા આવી ત્યારે પણ તેનો પીછો કરી અહીં આવી પહોંચ્યો હતો અને એક મહિના અગાઉ જ લગ્ન થયેલી યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ત્યારે મિત્ર બની પરિવાર પર કુ-દ્રષ્ટિ નાખનાર ધવલને કડક સજા થાય તેવી માંગ યુવતીના પરિવાજનો કરી રહ્યા છે.

(7:17 pm IST)