Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

વલસાડ, વાપી, પારડી સહિતના વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટોછવાયો વરસાદઃ દાદરાનગર હવેલી અને સેલવાસમાં ધોધમાર વરસાદ વરસ્યોઃ વલસાડની અનેક નદીઓમાં નવા નીર

વલસાડઃ ગુજરાતમાં મેઘરાજા ધીમે-ધીમે કોઇ-કોઇ જગ્યાઅે અમી છાંટણા તો કોઇ જગ્યાઅે ધોધમાર રૂપે વરસી વહાલ વરસાવી રહ્યા છે ત્યારે વલસાડ, વાપી સહિતના વિસ્‍તારોમાં પણ ફરી વાર મેઘરાજાનું આગમન થયું છે.

વલસાડ જિલ્લામાં વાપી, વલસાડ ,પારડી સહિતના વિસ્તારોમાં  ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટોછવાયો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત દાદરાનગર હવેલીમાં તથા સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ફરીથી વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

વરસાદથી વલસાડની અનેક નદીઓમાં નવા નીર આવ્યાં  છે. વરસાદમાં દમણગંગા, પાર, કોલક, ઔરંગ નદીમાં નવા નીર આવ્યા છે. ઉપવાસમાં વરસાદને લીધે દમણગંગા પરના મધુબન ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમની સપાટી 69.75 મીટરથી વધીને 70.25 મીટર થઈ છે. ડેમમાં પાણીની આવક 1130 ક્યુસેક, તો જાવક 430 ક્યુસેક છે.

ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠામાં ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લાની મુખ્ય નદી કહેવાતી બનાસ પણ છલોછલ ભરાઇ ગઇ છે. અમીરગઢ તેમજ રાજસ્થાનમાં ભારે વરસાદ આવતા બનાસ નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે.

વલસાડ જિલ્લામાં થોડા દિવસ પહેલા જ ધોઘમાર વરસાદ વરસ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતાં અને શાળાઓમાં બાળકોને રજા આપી દેવામાં આવી હતી. વલસાડ જિલ્લો અને મુંબઇમાં પણ ભારે વરસાદને કારણે મુંબઇ- અમદાવાદ રૂટની ટ્રેનો મોડી પડી હતી. ભારે વરસાદને કારણે વલસાડ જળબંબાકાર બની ચુક્યું હતું. ઠેર ઠેર ટ્રાફીક જામ પણ થઇ ગયો હતો.

(7:13 pm IST)