Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

આ વખતનું ચોમાસુ ટેસ્ટ નહિં પણ ટી-૨૦ જેવું

આજે બપોર બાદ છૂટાછવાયા બે થી ત્રણ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસશે : હવામાન ખાતુઃ સાર્વત્રિક બે-ચાર જીલ્લામાં એક સાથે વરસી જાય તેવી શકયતા ઓછી : દરિયાકાંઠાથી અંદરના ભાગમાં વધુ સંભાવના

રાજકોટ, તા. ૩૦ : દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં બેસી ગયાનું ગઈકાલે હવામાન વિભાગે જાહેરાત કરી છે. દર વર્ષે ચોમાસુ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ૧૫ જૂન આસપાસ બેસી જતુ હોય છે. પરંતુ આ વર્ષે મહારાષ્ટ્ર સુધી ધારણા કરતા બે દિવસ અગાઉ જ બેસી ગયું હતું પરંતુ ત્યારબાદ ચોમાસુરેખા સ્થિર બની જતા સૌરાષ્ટ્ર - ગુજરાતવાસીઓને રાહ જોવી પડી હતી. રાજકોટ- સૌરાષ્ટ્રના અમુક બાકી રહી ગયેલા વિસ્તારોમાં ગતસાંજે મેઘરાજા વરસી જતા દેશભરમાં ચોમાસુ બેસી ગયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યુ છે કે આજે બપોર બાદ છૂટાછવાયા બે થી ત્રણ સ્થળોએ બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ પડશે દરીયાકાંઠાથી અંદરના ભાગમાં વરસાદ પડે તેવી શકયતા વધુ છે.

જયારે એકસાથે બેથી ત્રણ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ પડી જાય તેવી શકયતા હાલ તો ઓછી જણાઈ રહી છે.

દરમિયાન રાજકોટ શહેરમાં ગઈસવારે વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ મોડીસાંજે વાતાવરણમાં એકદમ પલ્ટો આવ્યો હતો. પહેલા અમુક વિસ્તારોમાં છાટા પડ્યા બાદ મેઘરાજાએ ધીમે - ધીમે જોર પકડી લીધુ હતું. થોડીવારમાં તો માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. મેઘરાજાનું આગમન થતાં ખાસ કરીને ભુલકાઓને મજા - મજા પડી ગઈ હતી. ભુલકાઓએ ભીંજાતા ભીંજાતા મોજથી મેઘરાજાના વધામણા કર્યા હતા. એકરસ બની જતા યુવાઓથી માંડી મોટેરાઓ વરસાદની મોજ માણવા નીકળી પડ્યા હતા. ગઈકાલે રાજકોટ શહેરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જો કે પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ હતી પાણી નિકાલ માટેની કોઈપણ વ્યવસ્થા જોવા મળી ન હતી.(૩૭.૭)

(12:04 pm IST)