Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું રાજીનામુ સ્વીકારી લેવાયુઃ જે લોકોને પક્ષ છોડવો હોય અે છોડી શકે છે, પક્ષ વિરોધી કાર્યવાહી ચલાવી નહીં લેવાયઃ રાજીવ સાતવ

 

રાજકોટઃ કોંગ્રેસના રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્‍દ્રનીલ રાજ્યગુરૂઅે રાજીનામુ આપી દીધા બાદ તેના રાજીનામાનો સ્‍વીકાર કરી લેવામાં આવ્યો છે.

પ્રદેશ કોર કમિટિની બેઠક બાદ તેમના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. ગત ચૂંટણીમાં વર્તમાન સીએમ વિજયભાઈ રૂપાણી સામે ચૂંટણી લડનારા ઇન્દ્રનીલે પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે ગુરુવારે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે અમદાવાદ ખાતે કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ સાતવે કહ્યું હતું કે જે લોકોને પક્ષ છોડવો હોય એ છોડી શકે છે. પક્ષ વિરુદ્ધ કાર્યવાહી ચલાવી લેવામાં નહીં આવે.

સોમવારે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજીનામાની જાહેરાત બાદ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે પક્ષના કેટલાક લોકો મારી વિરુદ્ધ કામ કરી રહ્યા છે, જેથી હું રાજીનામું આપુ છું, પરંતુ લોકોની સેવા કરવાનું ચાલુ જ રાખીશ. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ભાજપમાં જોડાવાના નથી. રાજ્યગુરુએ જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં કુંવરજીભાઈ બાવળિયા સહિતના લોકોએ તેમની વિરુદ્ધ કામ કર્યું હતું. હાલ પણ તેઓ સારો હોદ્દો મેળવવા માટે નારાજગીનો દાવ રમી રહ્યા છે.

ઇન્દ્રનીલના રાજીનામા અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે તેમણે આ મામલે ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે ફોન પર વાતચીત કરી છે. જો કોઈ નાના મોટા પ્રશ્નો હશે તો તેને દૂર કરવામાં આવશે.

સોમવારે ઇન્દ્રનીલના સમર્થનમાં રાજકોટ મહાનગરપાલિકાના 17 જેટલા કોર્પોરેટરોએ રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. કોર્પોરેટરના જૂથે બેઠક કરીને ગુજરાત કોંગ્રેસ પ્રભારીને એવી રજુઆત કરી હતી કે ઇન્દ્રનીલનું રાજીનામું પરત લેવામાં આવે. સાથે તેમણે એવી ચીમકી આપી છે કે આ મામલે હકારાત્મક પરિણામ નહીં આવે તો સામુહિક રાજીનામા ધરી દેવામાં આવશે.

(6:41 pm IST)