Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

સાબરકાંઠામાં કોરોનાગ્રસ્ત સગર્ભાની સફળ પ્રસૂતિ કરાઈ

સાબરકાંઠામાં વધુ ૧૪ દર્દી સ્વસ્થ થતાં રજા અપાઈ : અન્ય સાત પુરુષ તેમજ ચાર રાજસ્થાની સહિત અન્ય જિલ્લાના બે નાગરિકો પણ કોરોના સામેનો જંગ જીત્યા

ગાંધીનગર, તા. ૩૦ : સાબરકાંઠા જિલ્લાની કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર લઈ સ્વસ્થ થનારી એક પ્રસૂતાને તેના તંદુરસ્ત બાળક સાથે તેમજ અન્ય સાત પુરુષ એમ વધુ આઠ દર્દીને રજા આપવામાં આવી હતી. જ્યારે રાજસ્થાનના ચાર તેમજ અન્ય જિલ્લાના બે દર્દીઓને પણ રજા આપી તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોનાની મહામારીમાં સૌથી વધુ ચિંતા બાળકો, વડીલો તેમજ  સગર્ભાઓ અને ધાત્રી માતાઓની રહે છે. તેવામાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલાં ૨૪ વર્ષીય સગર્ભા શોભનાબેન પ્રસૂતિ બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં તેમને તંદુરસ્ત બાળક સાથે રજા આપવામાં આવી હતી. તેમની સાથે અન્ય બે દર્દી બેરણાના ૨૮ વર્ષીય વિમલકુમાર વનકર અને ૪૨ વર્ષીય સુભાષભાઈ રહેવરને પણ રજા આપવામાં આવી હતી.

          સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ૪૦ વર્ષીય પ્રદીપ રાઠોડ, વિજયનગર તાલુકાના રાજપુરના ૩૨ વર્ષીય ભરત પટેલિયા, ચિઠોડાના ૫૦ વર્ષીય ડાહ્યા રાવળ અને ૨૫ વર્ષીય દીપક રાવળ તેમજ લીમડાના દિનેશ પાંડોર હિંમતનગરની સમરસ હોસ્ટેલ ખાતેના ઊભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહ્યા હતા. તમામ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે તેમની સાથે સારવાર લઈ રહેલા રાજસ્થાનના ચાર અને બે અન્ય જિલ્લાના દર્દીઓ પણ કોરોનામુક્ત થતાં, રજા આપી તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્યાર સુધી જિલ્લામાં કુલ ૩૬ દર્દી કોરોનામાંથી સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. તમામ દર્દીઓને ત્રિપલ લેયર માસ્ક, સેનેટાઇઝર ઉપરાંત, તેમના પરિવાર સાથે હાલ સાત દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવાની તકેદારીના પગલાંની સમજણ આપવામાં આવી છે.

(9:49 pm IST)