Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

પેરિસ, મોસ્કો, બેલેરુસથી ભારતીયોને સ્વદેશ લવાયા

મિશન વંદેભારત હેઠળ પાંચ ફ્લાઈટ અમદાવાદ પહોંચી : વિદેશમાં ફસાયેલા લોકોને સ્વદેશ લવાયા બાદ પસંદગીના ક્વોરન્ટાઇન સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા

અમદાવાદ, તા. ૩૦ : વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે શરૂ કરાયેલા મિશન વંદે ભારત અંતર્ગત બુધવારે પાંચ ફ્લાઈટમાં  ભારતીય નાગરિકો અમદાવાદ પહોંચ્યા હતા. તમામના મેડિકલ ચેકઅપ કરાયા બાદ તેમને પસંદગીના ક્વોરેન્ટાઈન સેન્ટર પર રવાના કરવામાં આવ્યા હતા. મિશન વંદે ભારત અંતર્ગત વિદેશથી ભારતીય નાગરિકોને લાવવાનો અભિયાન હજુ યથાવત છે. કોરોનાની મહામારીને લઈને દુનિયાભરના ઘણા દેશોમાં લોક ડાઉન કરી દેવામાં આવ્યું છે. ભારત સહિત મોટાભાગના દેશોમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી.જેને કારણે વિદેશથી ભારતમાં આવેલા લોકો ભારતમાં ફસાઈ ગયા હતા જ્યારે ભારતથી વિદેશ ગયેલા લોકો જે તે દેશમાં ફસાઈ ગયા હતા.

           જેને કારણે અમેરિકા યુ.કે કેનેડા જાપાન સહિતના દેશની સરકારે ભારતમાંથી તેમના નાગરિકોને પરત લઈ જવા માટે વ્યવસ્થા કરી હતી. હવે વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત ભારત લાવવા માટે ભારત સરકારે મિશન વંદે ભારત અભિયાન શરૂ કર્યું છે જેમાં હજારો ભારતીય નાગરિકોને પરત ભારત લાવવામાં આવી રહ્યા છે. મિશન અંતર્ગત બુધવારે દિવસ દરમિયાન એર ઈન્ડિયાની પાંચ ફ્લાઈટ અમદાવાદ લેન્ડ થઈ હતી. પેરિસ, મોસ્કો, ટોરેન્ટો, જ્યોર્જિયા તથા બેલેરુસથી ભારતીય નાગરિકોને અમદાવાદ લાવવામાં આવ્યા હતા.એરપોર્ટ પર તેમનુ મેડિકલ ચેકઅપ કરાયા બાદ તેમને ક્વોરેન્ટાઈન સેન્ટર પર મોકલવામાં આવ્યા હતા. સિવિએવિએશન મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ બુધવારે જુદા જુદા દેશમાંથી કુલ ૧૯ ફ્લાઈટ મારફતે ૩૩૧૯ ભારતીય નાગરિકો સ્વદેશ પહોંચ્યા હતા.

(9:43 pm IST)