Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

૯૦ વર્ષનાં હંસાબાનો રાહત નીધિમાં ૫૧૦૦૦નો ફાળો

જૈફ વયે પણ સામાજિક જીવનમાં સક્રિય : હંસાબા અમેરિકાના નાગરિક હોવા છતાં ૨૦ વર્ષથી આણંદમાં મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિ પણ ચલાવે છે

અમદાવાદ, તા. ૩૦ : મૂળ કરમસદના વતની અને એક સમયે અમેરિકામાં શિક્ષક તરીકે સેવા આપનારાં ૯૦ વર્ષનાં હંસાબેન ચંદુભાઈ પટેલે 'હું પણ કોરોના વોરિયર' અભિયાનથી પ્રભાવિત થઈને કોરોના મહામારી સામેની લડત માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ.૫૧ હજારનું અનુદાન આપીને જન્મભૂમિ પ્રત્યેની તેમની નિષ્ઠા અને કોરોના વૉરિયર તરીકેની જવાબદારી નિભાવી છે. હાલ આણંદમાં રહેતા અને અમેરિકન નાગરિકત્વ ધરાવતાં હંસાબા ભારતમાં .સી.આઈ. તરીકે નિવાસ કરે છે. ૯૦ વર્ષની ઉંમરે પણ તેમનું જોમ અને જુસ્સો બિરદાવવા લાયક છે. આજે પણ શારીરિક અને માનસિક રીતે તેઓ સક્રિય છે. તેઓ માને છે કે, કોઈ પણ સારી શરૂઆત કરવામાં ઉંમરની મર્યાદા ક્યારેય નડતી નથી.

           એટલા માટે છેલ્લાં ૨૦ વર્ષથી મહિલા ઉત્કર્ષની ભાવના સાથે આણંદ વુમન એસોસિયેશન નામની સંસ્થા ચલાવે છે. જેના દ્વારા મહિલા ઉત્કર્ષ અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હંસાબેન પટેલ લાંબા સમય સુધી આફ્રિકાના ઝામ્બિયા ખાતે વસવાટ કરી ચૂક્યાં છે. જ્યાં તેઓ તેમના પતિને વ્યવસાયમાં પણ મદદરૂપ થતાં હતાં. સમયાંતરે બે પુત્ર અને ત્રણ પુત્રીના પરિવાર સહિત તેઓ અમેરિકા સ્થાયી થયાં. જ્યાં તેમણે શિક્ષક તરીકે નોકરી કરી હતી અને હાલ સમયાંતરે ભારત આવતાં-જતાં રહે છે. દરમિયાન, છેલ્લા ત્રણ મહિનાથી કોરોનાની પરિસ્થિતિ વચ્ચે ભારતમાં છે, ત્યારે 'હું પણ કોરોના વૉરિયર' અભિયાનથી પ્રભાવિત થઈને જન્મભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવા સાંસદ મિતેશ પટેલનો સંપર્ક કરીને વતન માટે અનુદાન આપવાની તૈયારી બતાવી. પરિણામે, હોદ્દેદારોએ તાત્કાલિક હંસાબેનની મુલાકાત લઈ, તેમની પાસેથી રૂ.૫૧,૦૦૦/-નો ચેક 'મુખ્યમંત્રી રાહતનિધિ' માટે સ્વીકાર્યો હતો.

(8:27 pm IST)