Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ચેકપોસ્ટ પર સગર્ભા મહિલાને તંત્રએ તત્કાળ સારવાર અપાવી

કોરોનાની વચ્ચે અન્ય દર્દીઓ પ્રત્યે પણ સંવેદના : ચેકપોસ્ટ પર પહોંચતા મહિલાને દુઃખાવો ઉપડ્યો જેને પોસ્ટ પરના આરોગ્યકર્મીએ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી

અમદાવાદ, તા. ૩૦  : કોરોનાની મહામારીના કપરા સમયમાં રાજ્યનાં વિવિધ સરકારી તંત્રો માત્ર વાઇરસ સામે જાગૃતિ સલામતીની સાથોસાથ એટલાં સંવેદનશીલ બનીને સેવાકીય કામગીરી પણ કરતાં હોય છે. તંત્રના સંવેદનશીલ અભિગમની પ્રતીતિ તાજેતરમાં પોરબંદરની ચૌટા ચેકપોસ્ટ પર શ્રમિક વર્ગની સગર્ભા મહિલાના પરિવારજનોને થઈ હતી. અંગે પોરબંદરની ચૌટા ચેકપોસ્ટ પર ફરજ બજાવતા આરોગ્ય વિભાગના ડો. વિક્રમજીત પાશ્વને આપેલી માહિતી મુજબ, ચેકપોસ્ટ પર નિયમિત રીતે બહારથી આવતાં વાહનોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે.

            દરમિયાન, માણાવદર તરફથી આવતી એક બાઇક પર ચાલકની સાથે એક સગર્ભા પણ બેઠી હતી. જેઓ કુતિયાણા તરફ જઈ રહ્યાં હતાં. તેવામાં એન્ટ્રી પોઇન્ટ પરથી પસાર થતી વખતે સગર્ભાને અસહ્ય દુખાવો ઉપડતાં તાત્કાલિક ફરજ પરના ડોકટર અને સ્ટાફે પળવારનો વિલંબ કર્યા વગર આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સને બોલાવી હતી. જેમણે સગર્ભાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને પોરબંદરની આશા હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.

            બનાવની જાણ થતાં કુતિયાણા મામલતદાર અને તાલુકા હેલ્થ ઓફિસર પણ હોસ્પિટલે પહોંચી ગયા હતા અને સમગ્ર ટીમ દ્વારા સગર્ભાના સ્વાસ્થ્યની યોગ્ય સંભાળ માટેની વ્યવસ્થા કરી, માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ગણતરીની મિનિટોમાં સારવાર માટે વાહન તેમજ મહિલા પાસે રહેલી તેની મેડિકલ ફાઇલની મદદથી જરૂરી ટેલિ મેડિસિન કાઉન્સેલિંગ દ્વારા રાહત આપવામાં આવી હતી.

(8:13 pm IST)