Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

આણંદ જિલ્લાના બોરસદમાં ગેરેજનો વ્યવસાય કરનાર શખ્સની કાર ભાડે લઇ જઈ છેલ્લા પાંચ માસથી ભાડુઆત ફરાર

આણંદ:જિલ્લાના બોરસદ ખાતે રહેતા અને ગેરેજનો વ્યવસાય કરતા એક શખ્શની કાર કોયલી રીફાઈનરીમાં ભાડેથી મુકવાના બહાને લઈ છેલ્લા પાંચ માસથી ભાડુ નહી ચુકવી તેમજ કાર પણ પરત નહી આપી ત્રણ વ્યક્તિઓએ વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ આંકલાવ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે આંકલાવ પોલીસે ત્રણ શખ્શો સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોરસદ ખાતે રહેતા મહેશભાઈ બાબુભાઈ પરમારનું બોરસદની વાસદ ચોકડી ખાતે ગેરેજ આવેલ છે. તેઓ પાસે એક સ્વીફ્ટ ડીઝાયર કાર હોઈ આ કાર ભાડે આપવા માટે તેમણે નાપાડ વાંટા ખાતે રહેતા ઉસ્માનભાઈ ઉર્ફે વિકાસ માનસિંહ ચૌહાણનો સંપર્ક કર્યો હતો. તેણે વડોદરાના છાણી ખાતે રહેતા દિપકભાઈ મહેશભાઈ પરમારનો સંપર્ક કરાવી આપતા દિપકભાઈએ મહેશભાઈની કારને રીફાઈનરીમાં મુકાવી રૃા.૨૮ હજાર દર મહિને ભાડુ અપાવવાની વાત કરી હતી. ઉપરાંત આ ભાડુ સીધું જ તેમના બેંક એકાઉન્ટમાં જમા થશે તેમ જણાવ્યું હતું. જેથી મહેશભાઈએ કાર ભાડે આપવાની તૈયારી બતાવતા ગત તા.૧૯ ડિસેમ્બરના રોજ તેઓને આંકલાવ ખાતે  બોલાવ્યા હતા. જ્યાં સ્ટેમ્પ પેપર ઉપર ભાડા કરાર કરી નોટરી કરાવી હતી. બાદમાં મહેશભાઈએ પોતાની કાર તેઓને આપી હતી. આ કાર દિપકભાઈ સાથે આવેલ અર્જુનભાઈ અરવિંદભાઈ ગોહેલ (રહે.નાપાડ) લઈ ગયો હતો. જો કે કાર ભાડે આપ્યાને ૧ માસ વીતી જવા છતાં ભાડુ બેંક ખાતામાં જમા ન થતા મહેશભાઈએ દિપકભાઈનો સંપર્ક કર્યો હતો. જેથી દિપકભાઈએ થોડા દિવસમાં જમા થઈ જશે તેમ જણાવ્યું હતું. પરંતુ આજદિન સુધી ભાડુ જમા ન થતા મહેશભાઈએ પોતાની કાર પરત માંગતા કાર પરત આપી ન હતી. મહેશભાઈ બાબુભાઈ પરમારે આંકલાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઉસ્માનભાઈ ઉર્ફે વિકાસ માનસિંહ ચૌહાણ, દિપકભાઈ મહેશભાઈ પરમાર અને અર્જુનભાઈ અરવિંદભાઈ ગોહેલ વિરૃધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

(6:13 pm IST)