Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ચીખલી ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ગાંધીજી વિશે અભદ્ર ટિપ્પણીથી વિવાદઃ કોંગ્રેસની ફોજદારીની માંગ

ચીખલીઃ નવસારી જિલ્લામાં ગત રાત્રે વોટ્સએપમાં બીજેપી ચીખલીના નામે ચાલતા ગ્રુપમાં મહાત્મા ગાંધીજી બાબતે અભદ્ર ટિપ્પણી કરેલ પોસ્ટનો સ્ક્રીનશોટ વાયરલ થતા રાજકીય માહોલ ગરમાયો છે.

 સોશિયલ મીડિયા પર પોસ્ટ અને કોમેન્ટ બાબતે અનેકવાર વિવાદો થતા રહે છે ત્યારે વિવેક ચૂકની હદ વટાવતી દ્યટનામાં બીજેપી ચીખલી & વલસાડ ગ્રુપમાં મહાત્મા ગાંધીજીના ફોટા સાથે પોસ્ટ મુકવામાં આવી હતી જેમાં ગાંધીજી વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, આટલું ઓછું હોય ત્યાં એક ગ્રુપ મેમ્બરે તો નાથુરામ ગોડસે જીંદાબાદ પણ કરી દીધું હતું. નવસારી જિલ્લાના ઐતિહાસિક સ્થળ દાંડી સાથે ગાંધીજીના સંસ્મરણો જોડાયેલ છે ત્યારે આ દ્યટનાની ખૂબ જ ટીકા થઈ રહી છે તો સાથોસાથ રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે ચીખલી પીઆઈ ડી.કે. પટેલનો સંપર્ક સાધતા તેઓ આ દ્યટનાથી અજાણ હોવાનું અને આવું હશે તો કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ચીખલી-વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અહિંસાના પૂજારી છે. તેઓ ગુજરાતના જ છે ત્યારે  ગુજરાતના જ ભાજપના કેટલાક લોકો સોશિયલ મીડિયાના ભાજપના ગ્રુપમાં ગાંધીજી વિશે અભદ્ર ટિપ્પણી કરે છે તે ખેદજનક છે. આનાથી ભાજપની વિકૃત માનસિકતા છતી થાય છે. જેના પર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. આવનારા સમયમાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે અને આગેવાનો ફરિયાદ પણ દાખલ કરશે અને દેખાવો પણ કરશે.

 માજી ચીખલી તાલુકા ભાજપ પ્રમુખ ડો.અશ્વિન પટેલે જણાવ્યું હતું કે,ચીખલી ભાજપ ગ્રુપમાં જે પણ વ્યકિતએ ગાંધીજી વિશે ટિપ્પણી કરી છે એ બિલકુલ ગેરવ્યાજબી છે.આ બિલકુલ યોગ્ય નથી.યુવાનની ઓળખ કરી લેવામાં આવી છે.તે ભાજપનો હોદ્દેદાર નથી.આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરાશે.

(1:36 pm IST)