Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

મોરબી - જામનગર સુધી ડ્રગ્સ સપ્લાયરોના કનેકશનો ખૂલ્યા

લાખો રૂપીયાના ડ્રગ્સ સાથે વડોદરામાં ઝડપાયેલ શખ્સોએ ગુજરાતમાં અન્ય કયાં કયાં ડ્રગ્સ વેચ્યું? બેંક એકાઉન્ટ અને પ્રોપર્ટીની તપાસ શરૂ : રાજસ્થાનમાં પોલીસનુ સર્ચ ઓપરેશન : સૌરાષ્ટ્રમાં ખાસ ટીમો દ્વારા તપાસઃ અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં એસઓજી પીઆઇ એમ.આર.સોલંકી ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ૩૦: સોનાથી પણ અનેકગણું મોંઘુ એવુ 'મ્યાઉ મ્યાઉ' ડ્રગ્સના જથ્થા સાથે વડોદરા એસઓજી દ્વારા લાખોની કિંમતનું 'મેથેમ્ફેટામાઇન' નો જથ્થો ઝડપવા સાથે ૩ શખ્સોની થયેલી પૂછપરછમાં મોરબી, જામનગર સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૩ ડ્રગ્સ એજન્ટોના નામ ખુલવા સાથે વડોદરા પોલીસની વિશેષ ટીમોએ સૌરાષ્ટ્રમાં ખાસ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અત્રે યાદ રહે કે વડોદરા એસઓજી પીઆઇ એમ.આર.સોલંકી ટીમ દ્વારા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન હેઠળ હાઇવે પરથી ૪૭ લાખથી વધુ કિંમતનો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરેલો. આ ડ્રગ્સ રાજસ્થાનથી ડ્રગ્સ કેરીયર નરેન્દ્ર ઉર્ફે ચેનારામ ચૌધરી અને વડોદરાના પંકજની ધરપકડ કરી હતી.

ઉકત ડ્રગ્સ એજન્ટોની એસઓજી ઉપરાંત પોલીસ કમિશ્નર દ્વારા ટેલીફોનીક પૂછપરછ દરમિયાન મોરબીના મિતુલ અને  મનીષ ઉર્ફે મનદીપના નામો  ખુલવા સાથે મૂળ જામનગરના અને હાલ સુરત રહેતા અનુરાગની સંડોવણી ખુલી હતી. ઉકત શખ્સો  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાઇ કરતો હોવાનું ખુલવા પામેલ.

દરમિયાન પોલીસ સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ડ્રગ્સ સપ્લાયરો ગુજરાતમાં  વેચવા માટે ૧ કરોડનું ડ્રગ્સ લાવ્યાની આશંકા આધારે બાકીનો જથ્થો શોધવા માટે પણ સર્ચ ઓપરેશન ચાલી રહયું છે. ડ્રગ્સ કેરીયરોના બેંક એકાઉન્ટ અને પ્રોપર્ટી અંગે પણ તપાસ કરવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે  આદેશ આપ્યાનું સૂત્રો જણાવે છે.

(11:34 am IST)