Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ગુજરાતમાં લોકડાઉનમાંથી મંદિરોને મળશે મુકિત?

શકિતપીઠ અંબાજીમાં દર્શનને લઈને માઈભકતો માટે લગાવાઈ રહ્યાં છે સ્ટિકર્સ, બનાવી રહ્યાં છે સોશ્યલ ડિસ્ટન્સિંગનાં સર્કલ

અમદાવાદ, તા.૩૦: ભાવિકોના આસ્થાના ધામ એવાં ગુજરાતનાં સુપ્રસિદ્ઘ મંદિરો કોરોનાને કારણે લોકડાઉનમાં લોક થયાં છે ત્યારે મંગલમંદિરો પરથી લોકડાઉન હટે અને માઈભકતો તેમના ઈસ્ટદેવનાં દર્શન મંદિરમાં જઈને કરી શકે એવા સંકેત મળી રહ્યા છે. વિશ્વપ્રસિદ્ઘ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજીમાં માઈભકતોને આવકારવા માટેની તૈયારીઓ ગઈ કાલથી શરૂ થઈ છે. મંદિર પરિસરમાં 'અહીં ઊભા રહોલૃનાં સ્ટિકર્સ લગાવવાની અને સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે સર્કલ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે, એટલું જ નહીં, અંબાજી મંદિરમાં ૨૦–૨૦ માઈભકતો દર્શન કરવા જઈ શકે એવું આયોજન વિચારાઈ રહ્યું છે.

ફરી મંદિર ખૂલવાની દિશામાં અંબાજી મંદિરમાં શરૂ થયેલી તૈયારીઓના મુદ્દે યાત્રાધામ અંબાજી મંદિરના વહીવટદાર એસ. જે. ચાવડાએ કહ્યું હતું કે 'સરકાર દ્વારા જે સૂચના અમને મળશે એ રીતે અમે આગળ વધીશું. જો મંદિર ખોલવાની સૂચના મળે તો એની તૈયારી અમે કરી રહ્યા છીએ. મંદિરમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાય એની તૈયારી કરી રહ્યા છીએ. ભાવિકો માટે અમે સૂચના, બેનર, પોસ્ટર લગાવીશું. અમારા માટે સૌથી મહત્ત્વની વાત મંદિરમાં ગિરદી ન થાય એ છે. માસ્ક ફરજિયાત બનશે અને આગામી એકબે દિવસમાં આ માટે નિર્ણય કરીશું.'

અંબાજી મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પરથી લઈને છેક અંબાજી મંદિર સુધી, પ્રસાદ ઘર તેમ જ સમગ્ર મંદિર-પરિસર ઉપરાંત પગરખા-કેન્દ્ર, લગેજ-રૂમ સહિતના વિસ્તારમાં ભાવિકોને ઊભા રહેવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગનાં સર્કલ કરવામાં આવી રહ્યાં છે. અંબાજી મંદિરમાં અંદર જવા માટે રેલિંગ છે એમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ જળવાય એ માટે સર્કલ દોરવામાં આવી રહ્યાં છે અને સેનિટાઇઝરનાં સ્ટેન્ડ ઊભાં કરવામાં આવી રહ્યાં છે.

ખાસ વાત એ છે કે જો મંદિર ફરીથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે તો માઈભકતોની ભારે ગિરદી થાય એ સ્વાભાવિક છે ત્યારે મંદિરમાં દર્શન માટે માત્ર ૨૦–૨૦ માઈભકતો જ અંદર જઈ શકે એ રીતની વ્યવસ્થા ગોઠવવા માટે અંબાજી મંદિરે કવાયત હાથ ધરી છે.

(9:47 am IST)