Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

વડોદરાઃ આરોપી પંકજ માંગુકિયા સુરત અને સૌરાષ્ટ્રના ૩ કેરિયરને ડ્રગ્સ આપતો

દેણા ચોકડીથી પકડાયેલા ડ્રગ્સનું નેટવર્ક અડધા ગુજરાતમાં ફેલાયેલું છેઃ વલસાડ, સેલવાસ, મોરબી અને રાજકોટમાં ફેલાયેલું ડ્રગ્સનું મોટુ નેટવર્ક બહાર આવે તેવી શકયતા છે

વડોદરા, તા.૩૦: દેણા ચોકડી પાસેથી પકડાયેલા રૂ. ૪૭ લાખના ડ્રગ્સમાં પોલીસ તપાસ આગળ ધપી રહી છે. પોલીસે આરોપીઓની કરેલી પુછપરછમાં શહેરના ત્રણ ડ્રગ માફિયાના નામ ખુલ્યા બાદ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વધુ ૩ આરોપીના નામ ખુલ્યા છે. જેમાં મોરબીના સિરામીકના બે વેપારીનો પણ સમાવેશ થાય છે.

વાઘોડિયા રોડ પર અનંતા કોમ્પલેકસમાં રહેતાં નરેન્દ્ર ઉર્ફે ચેનારામ પીથારામ ચૌધરી (મૂળ રાજસ્થાન) અને પંકજ ઉર્ફે વિક્રમ નારણ માંગુકિયા (મૂળ બોટાદ)ની એક સપ્તાહ પહેલા રૂ. ૪૭ લાખના મેથામ્ફેટામાઈન ડ્રગ્સ સાથે એસઓજીએ ધરપકડ કરી હતી. હાલ બંને આરોપી સાત દિવસના રિમાન્ડ પર છે. જેમાં ડ્રગ માફિયા પંકજની પુછપરછમાં એવી હકિકત બહાર આવી હતી કે, સૂત્રધાર નરેન્દ્ર તેને ડ્રગ્સનો જથ્થો આપતો હતો.

આ ડ્રગ્સ પંકજ કમિશન ચઢાવી તેના સાગરિત મિતુલ આદ્રોજા (રહે, લાલપુર, મોરબી), અનુરાગ ઉર્ફે અન્નુ (હાલ રહે, સુરત, મૂળ જામનગર) અને મનીષ ઉર્ફે મનદીપ (રહે,મોરબી)ને આપતો હતો. જેમાં અન્નો સુરત લાઈન પર ડ્રગ્સનો વેપલો કરતો હતો. જયારે મિતુલ મોરબીમાં સુનિલ સોમાણી અને કુમાર નામના બે ડ્રગ કેરિયરને મેથામ્ફેટામાઈન ડ્રગ્સ આપતો હતો. સુનિલ અને કુમાર સિરામીકના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

જયારે મનીષ ઉર્ફે મનદીપ અને પંકજ બંને સાથે ભણતા હતા. જેથી મનીષ પંકજના ઈશારે ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. વડોદરા સહિતના આરોપીઓ પકડાશે, ત્યારે વડોદરા, સુરત, વાપી, વલસાડ, સેલવાસ, મોરબી અને રાજકોટમાં ફેલાયેલું ડ્રગ્સનું મોટુ નેટવર્ક બહાર આવે તેવી શકયતા છે.

(9:46 am IST)