Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

૭૫ નગરપાલિકાઓ પાસેથી નર્મદા નિગમને ૩૧૫ કરોડ વસુલવાના બાકી

પાણીનો કરોડોનો ગેરકાયદે વેપારઃ ડો.મનીષ દોશીના આક્ષેપો

અમદાવાદ, તા.૩૦: ભાજપ સરકારના દેવાળિયા વહીવટને નામે અને પાણી યોજનાઓના નામે રાજનીતિ કરી રહી છે. વસુલાત પેટે બાકી છે. રાજયની ૭૫ નગરપાલિકાના ૩૧૫ કરોડ અને ૩૩ જીલ્લાના ૬૩૪ કરોડ જેટલી માતબર રકમ પાણી પેટે વસુલાત બાકી છે. રાજયની ૭૫ નગરપાલિકામાં એક તરફ નાગરિકો પાસેથી પાણી વેરો વસુલે છે. બીજી બાજુ કરોડો રૂપિયા નર્મદા નિગમમાં બાકી બોલે છે. મોટા ભાગની નગરપાલિકામાં ૧પ વર્ષ કરતાં વધુ સમયથી ભાજપ શાસનકર્તાના આડેધડ ખર્ચા, મોટા પાયે ભ્રષ્ટાચારનો ભોગ સ્થાનિક નાગરિકો બની રહ્યાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજયની અનેક નગરપાલિકા વિસ્તારમાં ત્રણ-ત્રણ દિવસે પાણી નાગરિકોને મળી રહ્યું છે. અનેક નગરપાલિકા વિસ્તારમાં ૧૦-૨૦ મિનીટ પાણી જ મળી રહ્યું છે. રાજયની ૭૫ નગરપાલિકા નાગરિકો પાસેથી મોટા પાયે વેરા વસુલાત કરે છે. પણ નાણાકીય શિસ્તના અભાવે ૭૫ નગરપાલિકા પાણી બીલ પેટે સરદાર સરોવર નર્મદા નિગમને ઓકટોબર-૨૦૧૮ સુધીના લેણા પેટે રૂ.૩૧૫.૯૨ કરોડ ચૂકવવાના બાકી છે. જયારે રાજયના ૩૩ જીલ્લા વિસ્તારના ૬૩૪.૨૮ કરોડ ચૂકવવાના બાકી છે.

ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે ૨૦૧૮માં એટલે કે ગત વર્ષે ૧૧ હજાર લાખ ઘન ફુટ પાણી સંગ્રહ કરવાના કામો કરાવ્યા હતા. જે અગાઉ પાણીની જે જળ સંગ્રહ ક્ષમતા હતી તેનાથી દોઢ ગણી વધારી હતી. ૩૨ નદીઓએ પુનઃ જીવંત કરવાનો દાવો કર્યો હતો. ૧૩૦૦૦ તળાવને ઊંડા કરવામાં આવ્યા હતા, જયારે ૫૫૦૦ કિલોમીટરની નેહરોની સાફ સફાઇ કરી હતી. તેમજ પાઇપોના જે પાણી લીકેજ હતા તે પણ બંધ કરી દીધા હતા. અને આ તમામ કામો બે લાખ લોકોના શ્રમયજ્ઞ તેમજ ૧૫,૦૦૦ જેસીબી દ્વારા કરવામાં આવ્યા હતા. આમ છતાં આજની તારીખે રાજયના ૮૦૦૦ ગામડાઓ અને ૧૦૦ થી વધુ નગરપાલિકા શહેરો પાણી માટે વલખા મારે છે ત્યારે સવાલ એ ઉઠે છે કે જો ૨૦૧૮ના વર્ષમાં ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણી સંગ્રહ કરવાના રાજય સરકારે કરેલા કામો ગયા કયાં? શું સંગ્રહ કરેલ પાણી હવામાં ઊડી ગયું.. કે પછી...!! જો કે અત્યારે મે મહિનાનો અંત છે અને રાજયના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો અહીં તહી ભટકીને પાણી મેળવવા વલખા મારે છે.

(3:32 pm IST)