Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

તત્કાલ ટિકિટના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ઝડપાઈ ગયો

રેડમિર્ચ ૨૦ સેકન્ડમાં ટિકિટ બુક કરી આપતું હતું : સલીમે સોફ્ટવેર અમદાવાદ સહિત દેશના અન્ય શહેરોના એજન્ટોને વેચ્યા હોવાનો તપાસમાં ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ,તા. ૩૦ : ટ્રેનની ટિકિટનાં કાળાબજાર કરવાનું લાઇસન્સ એટલે કે રેડમિર્ચ સોફટવેર વેચનાર મુખ્ય સૂત્રધાર આરોપી સલીમ અમીનુદ્દીન ખાનની અમદાવાદ આરપીએફની ટીમે ધરપકડ કરતાં તત્કાલ ટિકિટના કૌભાંડમાં રેલ્વે પોલીસને વધુ એક સફળતા મળી છે. શહેરના વટવા વિસ્તારમાં રહેતા આરોપી સલીમે અમદાવાદ સહિત અનેક જગ્યાએ આ રેડમિર્ચ સોફટવેરનું વેચાણ એજન્ટોને કર્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેને પગલે આરપીએફની ટીમે આરોપીની ઝીણવટભરી પૂછપરછ શરૂ કરી કૌભાંડ સંબંધી વધુ જાણકારી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ઉલ્લેખનીય છે કે, રેડમિર્ચ સોફટવેર દ્વારા ટ્રેનની ટિકિટનું બુકિંગ કરતા એજન્ટની આરપીએફની ટીમે તપાસ શરૂ કરી હતી, જેમાં સુરતના રેડમિર્ચ સોફટવેરના ડિસ્ટ્રીબ્યુટરની થોડા સમય પહેલાં જ ધરપકડ કરાઇ હતી, જેની પૂછપરછ અને બેન્ક ડિટેઇલની તપાસમાં અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા સલીમ અમીનુદ્દીન ખાન (ઉ.વ.૧૮)નું નામ ખૂલ્યું હતુ કે જે આ સોફટવેર વેચતો હોવાનું બહાર આવ્યું હતું. આરપીએફની ટીમે વટવામાંથી મુખ્ય સૂત્રધાર એવા આરોપી સલીમ ખાનની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આરોપી સલીમ હાઇટેક ગુનેગાર છે. રેડમિર્ચ સોફટવેર અને અન્ય સોફટવેર તેણે અમદાવાદ અને ભારતનાં અનેક શહેરના એજન્ટને વેચ્યા હોવાનું કબૂલ્યું હતું. માત્ર એક ક્લિક દ્વારા સોફટવેરમાંથી તાત્કાલિક ટિકિટ બુક થતી હતી. રેડમિર્ચ સોફટવેર આઇઆરસીટીસીના તમામ સિક્યોરિટી ફીચર્સ તોડી માત્ર ર૦ સેકન્ડમાં ટિકિટ બુક કરી આપતું હતું. આરપીએફએ આરોપી સલીમની વધુ તપાસ શરૂ કરી તેની સાથે આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે અને સમગ્ર ચેઇન કઇ રીતે કામ કરતી હતી તે સહિતના મુદ્દાઓની તપાસ શરૂ કરી છે.

(7:25 pm IST)