Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

અમદાવાદના બોપલમાં પથ્થરમાર ટોળકી સક્રીય બનીઃ મોઢે રૂમાલ બાંધી ૧૦થી ૧૨ તસ્‍કરો ચાર જેટલા બાઇકની ચોરી કરી ગયા

અમદાવાદઃ બોપલ-શીલજ રોડ પર અાવેલા નીલકંઠ વિલા બંગ્લોઝ પાસે સન સિમ્પોલો એપાર્ટમેન્ટમાં અાવેલા છે. એપાર્ટમેન્ટમાં નીલ ત્રિવેદી પોતાના પરિવાર સાથે રહે છે. ૨૧ મેના રોજ રાત્રે નીલભાઈ જમી-પરવારી સૂઈ ગયા હતા. દરમિયાનમાં વહેલી સવારે ૪ વાગે એપાર્ટમેન્ટમાં બૂમાબૂમ કરતાં તેઅો નીચે અાવ્યા હતા.

પાર્કિંગમાં જોતાં તેમનું બાઇક ગાયબ હતું. ઉપરાંત એપાર્ટમેન્ટના અન્ય બ્લોકમાંથી ત્રણ જેટલાં બાઈક ચોરાયાં હતાં. એપાર્ટમેન્ટમાં રહેતા એક રહીશ વહેલી સવારે ૪ વાગે જાગ્યા ત્યારે તેઅોઅે બારીમાંથી ચાર જેટલા મોઢે રૂમાલ બાંધીને અને હાથમાં પથ્થર સાથે કેટલાક શખસોને એપાર્ટમેન્ટમાં જોયા હતા. જેથી તેઅો તાત્કાલિક નીચે અાવ્યા હતા અને બૂમાબૂમ કરી હતી. બૂમાબૂમ થતાં ચોર ટોળકી દીવાલનો કોટ કૂદી રેલવે ટ્રક તરફ નાસી ગઈ હતી.

એપાર્ટમેન્ટના રહીશો ભેગા થઈ જતાં ચોર ટોળકીઅે એપાર્ટમેન્ટમાં ચોરી કરી છે કે કેમ તેની તપાસ રહીશોઅે શરૂ કરી હતી. એપાર્ટમેન્ટમાં તપાસ કરતાં એક બ્લોકમાં પહેલા માળે બંધ મકાનમાં ચોર ટોળકીઅે મકાનનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો. એપાર્ટમેન્ટના પાર્કિંગમાં તપાસ કરતાં નીલભાઈનું બાઈક ચોરાયેલું હતું. ઉપરાંત એપાર્ટમેન્ટના રહેતા ભાઈલાલભાઈ ઠાકોર, જૈમિનભાઈ મોદી અને મગનભાઈનું પણ બાઈક ચોરાયેલું જાણવા મળ્યું હતું.

એપાર્ટમેન્ટની અંદર માત્ર એક જ સિક્યોરિટી ગાર્ડને રાખવામાં અાવ્યો છે. ૩૬ કલાક એક સિક્યોરિટી ગાર્ડની નોકરી રાખવામાં અાવી છે. ચોરી થઈ તે સમયે તે સિક્યોરિટી ગાર્ડ સૂઈ રહ્યો હોવાનું રહીશોઅે જણાવ્યું હતું. એપાર્ટમેન્ટના રહીશોઅે અાક્ષેપ કર્યો હતો કે એપાર્ટમેન્ટની અંદર સિક્યોરિટી વધારે રાખવામાં અાવે ઉપરાંત સીસીટીવી કેમેરા લગાવવામાં અાવે તેની રજૂઅાત વારંવાર બિલ્ડરને કરી છે છતાં પણ તેઅોઅે કેમેરા લગાવ્યા નહોતા અને એપાર્ટમેન્ટની અાસપાસ ફેન્સિંગ કરાવ્યું નહોતું.

એક મહિના અગાઉ પણ એપાર્ટમેન્ટની અંદર ચોરીનો પ્રયાસ થયો હતો. તે સમયે પણ બિલ્ડરને સિક્યોરિટી અંગે રજૂઅાત કરવામાં અાવી હતી. ફરી એકવાર એપાર્ટમેન્ટની અંદર ચોરી થતાં બીજા દિવસે એપાર્ટમેન્ટની મહિલાઅોઅે બિલ્ડરના અોફિસે જઈ રજૂઅાત કરવી પડી હતી.

એપાર્ટમેન્ટના રહીશોઅે બિલ્ડરને રજૂઅાત કરી હતી કે એપાર્ટમેન્ટની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં અાવે તેમજ પાછળના ભાગે જ્યાં રેલવે ટ્રેક અાવેલા છે ત્યાં દીવાલ ઉપર ફેન્સિંગ લગાવવામાં અાવે.

એક સાથે ચાર બાઈકની એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચોરી અને મકાનનું તાળું તોડી ચોરીનો પ્રયાસ થતાં એપાર્ટમેન્ટના રહીશોઅે બિલ્ડરની બેદરકારી અને સિક્યોરિટી અોછી રાખવાના કારણે અાવી ઘટનાઅો બનતી હોવાનો અાક્ષેપ કર્યો હતો. એપાર્ટમેન્ટના રહીશોઅે બિલ્ડરને રજૂઅાત કરતા હવે ફેન્સિંગનું કામકાજ શરૂ કરવામાં અાવ્યું હોવાનું સ્થાનિક રહીશે જણાવ્યું હતું. ચાર બાઈકની ચોરી થતાં અા અંગે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બોપલ વિસ્તાર અે ગામડાનો અંતરિયાળ વિસ્તાર છે ઉપરાંત રેલવે ટ્રેકની અાસપાસમાં અનેક પોશ એપાર્ટમેન્ટ અાવેલા છે. ચડીબનિયાનધારી ગેંગનો અાતંક બોપલ વિસ્તારમાં ઘણા સમયથી રહેલો છે. અનેક વખત એપાર્ટમેન્ટો અને બંગલામાં ૧૦થી ૧૨ લોકોની ચડ્ડી બનિયાનધારી લાકડી, ડંડા અને પથ્થર જેવા ઘાતક હથિયારો સાથે એપાર્ટમેન્ટમાં ચોરી કરવા ઘૂસે છે.

જો કોઈ જાગી જાય અથવા તો પ્રતિકાર કરે તો તેને માર મારી અને પથ્થરમારો કરી ગેંગ નાસી જતી હોય છે. બોપલ વિસ્તારના અનેક એપાર્ટમેન્ટોમાં પથ્થર સાથે અાવેલી ટોળકી અગાઉ અનેક ચોરીઅો કરી છે. વારંવાર ચોરીના બનાવો બનતા હોય છે પરંતુ બોપલ પોલીસ વિસ્તાર મોટો અને પોલીસ અોછી હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં પૂરતું પેટ્રોલિંગ કરી શકતી નથી.

બોપલ વિસ્તારમાં અાવેલા એપાર્ટમેન્ટો અને બંગ્લોઝની અંદર અગાઉ ચડ્ડી બનિયાનધારી ગેંગો અને દાહોદિયા ગેંગે તરખાટ મચાવી ચોરીની ઘટનાઅોને અંજામ અાપી છે પરંતુ અમદાવાદ ગ્રામ્ય પોલીસ, એલસીબી અને એસોજીની ટીમો અાવી ગેંગોને પકડવામાં નિષ્ફળ નીવડી છે.

છેલ્લા એક વર્ષની વાત કરીઅે તો અમદાવાદ ગ્રામ્ય એલસીબી અાવી ચડ્ડી બનિયાનધારી ગેંગોને ઝડપવામાં નિષ્ફળ ગઈ છે. એક પણ મોટા ગુનાનો ભેદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે છેલ્લા એક વર્ષમાં ઉકેલ્યો હોય તેવું જણાતું નથી.

બોપલ વિસ્તારમાં અનેક ચોરીઅો બની છે અને રહીશોઅે વારંવાર અમદાવાદ જિલ્લા પોલીસ વડાને રજૂઅાત કરી છે કે બોપલ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં અાવે પરંતુ જ્યારે ચોરી થાય છે ત્યારે બે દિવસ માટે પોલીસ પેટ્રોલિંગ વધારી દે છે અને બાદમાં જૈસે થે વૈસેની સ્થિતિ સર્જાઈ જાય છે. છેવટે રહીશો જાતે જ હવે એપાર્ટમેન્ટમાં જાગૃત રહીને ચોકીદારી કરે છે.

(7:19 pm IST)