Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ફાજલપુરમાં યુવકના મોતના પગલે રેતીની લીઝ પરથી બોગસ સોફ્ટવેર મળ્યાની ચર્ચા થતા અરેરાટી

વડોદરા: ફાજલપુર ગામના યુવકના મોતના પગલે મચેલા હોબાળા વચ્ચે ગ્રામજનોના ટોળાએ ઘટનાસ્થળ પાસે મહિસાગર નદીના કિનારે આવેલી રેતીની લીઝ પર ધસી જઈ ઓફિસમાં તોડફોડ કરી અને નદી કિનારે ઉભેલા વાહનોમાં આગચંપી કરી હતી. આ બનાવની નંદેસરી પોલીસે તપાસ શરૃ અને સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવાની કામગીરી કરી હતી. કામગીરી દરમિયાન બોગસ સોફ્ટવેર મળ્યાની ચર્ચાથી ભારે ચકચાર જાગી છે.   ગ્રામજનોએ રોડ પર ટ્રક -ડમ્પરોની તોડફોડ બાદ લીઝની ઓફિસમાં હલ્લો મચાવ્યો હતો. ટોળાએ ઓફિસના સ્ટાફને ધક્કે ચઢાવી કોમ્પ્યુટર અને ફર્નિચરની તોડફોડ કરતાં ઓફિસ સ્ટાફે ગભરાટના કારણે ઓફિસમાંથી દોટ મુકી હતી. દરમિયાન ટોળાંએ નદી કિનારે જેસીબી અને હીટાચી તેમજ ડમ્પરોની પણ આગચંપી કરી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જતાં પોલીસે ટોળાંને વિખેરી નાખી તોડફોડ કરાયેલા વાહનોને નદીકિનારે સલામત સ્થળે ખસેડયા હતા જયારે ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી વાહનોને લગાવેલી આગ બુઝાવી હતી. દરમિયાન તોફાની ટોળાએ કરેલા નુકશાનની રાત્રે નંદેસરી પોલીસ મથકમાં લીઝ માલિકોએ ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૃ કરી હતી.
 

(6:17 pm IST)