Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

જેલની સજા પુરી થયા પછી સમાજમાં ફરીથી નવી શરૂઆત કરે તે હેતુથી વડોદરામાં જેલના કેદીઓ પેટ્રોલપંપનું સંચાલન કરશે

વડોદરાઃ જેલના કેદીઓ સજા પુરી થયા પછી પોતાના પરિવાર માટે કમાણી કરી શકે તે હેતુથી વડોદરામાં ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત જેલના કેદીઓ પેટ્રોલપંપનું સંચાલન કરશે.

વડોદરા સેન્ટ્રલ જેલના વેલ્ફેર ડિપાર્ટમેન્ટ દ્વારા જેલના દંતેશ્વર કમ્પાઉન્ડ નજીક એક પેટ્રોલ પંપ શરુ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આ પહેલું પેટ્રોલ પંપ એવું હશે જે કેદીઓ દ્વારા ચલાવાવમાં આવશે અને અત્યારે કેદીઓને તેની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે.

પેટ્રોલ પંપના નફાનો ઉપયોગ જેલવાસીઓની વેલ્ફેર સ્કીમ્સમાં કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું અને અત્યારે પ્રાઈવેટ કોન્ટ્રાક્ટરના વર્કર્સ ત્યાં અટેન્ડન્ટ તરીકે કામ કરે છે. પહેલા જેલના પાંચ કેદીઓને ટ્રેનિંગ આપવામાં આવશે.

પેટ્રોલ પંપ પર કામ કરવું તેમની જેલ ડ્યુટીનો એક ભાગ હશે. વડોદરા સેન્ટ્રલ જેલના વેલ્ફેર ઓફિસર મહેશ રાઠોડ કહે છે કે, પહેલી બેચની ટ્રેનિંગ સમાપ્ત થશે પછી બીજી બેચને ટ્રેનિંગ આપવામાં આવશે, જેથી થોડા મહિના પછી તે આ કામ સંભાળી શકે. 1998થી અત્યાર સુધીમાં જે કેદીઓ જેલવાસ દરમિયાન મૃત્યુ પામ્યા છે તેમના પરિવારની મદદ માટે આ એક મુખ્ય સ્ત્રોત સાબિત થશે. રિહેબિલિટેશનના ભાગરુપે કેદીના પરિવારને નોકરી આપવી તે રાજ્ય સરકારની એક યોજના છે.

રાઠોડે જણાવ્યું કે, જેલની સજા પૂરી થયા પછી કેદી સમાજમાં ફરીથી નવી શરુઆત કરી શકે તે પણ અમારા વેલ્ફેર પ્રોગ્રામનો એક ભાગ છે. અમારો હેતુ છે કે કેદીઓને રોજગાર મળવો જોઈએ જેથી તે કમાવવાનું શરુ કરે અને ફરીથી કોઈ ગુનો ન કરે. જેલ અધિકારીઓ જેલવાસ કાપી ચુકેલા કેદીઓને નોકરી આપવા બાબતે પબ્લિક સેક્ટરની અન્ય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે પણ વાતચીત કરવાનું વિચારી રહ્યા છે.

(4:49 pm IST)