Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

કંઇક રંધાઇ રહ્યું છે : રૂપાણીને અચાનક દિલ્હીનું તેડું

પ્રધાન મંડળમાં ફેરફારની શકયતા : સૌરાષ્ટ્રનું પ્રભૂત્વ વધતા ઉત્તર ગુજરાત નારાજ : આંતરિક નારાજગી વગેરે વિવાદો વચ્ચે મુખ્યમંત્રી ગઇકાલે દિલ્હી પહોંચ્યા હતા : એક ગુજરાતી વેબસાઇટનો અહેવાલ

નવી દિલ્હી તા. ૩૦ : મોદીના દિલ્હી ગમન બાદ ગુજરાતના રાજકારણમાં સતત ઉતાર ચઢાવ આવ્યાં જ કરે છે. સરકાર અને પ્રજા વચ્ચેનો સમન્વય તુટી ગયો છે. સમાજના અનેક વર્ગ નારાજ છે, એટલું જ નહીં ખુદ સરકારના જ સભ્યો,મંત્રીઓ નારાજ છે,ત્યારે આ બધા ની વચ્ચે ૨૦૧૯ માં ભાજપ માટે ગુજરાત એક પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.જો કે થોડાક સમય થી રૂપાણી સરકાર અંદર ખાને કંઇક મૂંઝવણ માં છે, ત્યારે સોમવારે એકાએક સીએમ રૂપાણીને દિલ્હીનું તેડું આવતાં રાજકારણમાં પણ હિટવેવ સર્જાયું છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસના અહેવાલ મુજબ રૂપાણીની અચાનક દિલ્હી મુલાકાતે ઘણા તર્ક વિતર્કને મોકળાશ આપી છે. આ મુલાકાતને મંત્રીમંડળના વિસ્તરણ સાથે પણ જોડવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ટૂંક સમયમાં રાજયના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવે તેવી અટકળો પણ છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે.

એટલું જ નહીં મોદીના દિલ્હી ગમન બાદ અમિત શાહે ડોર હાથમાં લેતા રૂપાણી સરકારમાં જે રીતે સૌરાષ્ટ્ર લોબીનું પ્રભુત્વ વધી ગયું છે, તેનાથી ઉત્તર ગુજરાતની લોબીમાં છૂપી નારાજગી જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણીમાં આ ફેકટર ભાજપને નુકસાન ન પહોંચાડે તે માટે પણ મંત્રીમંડળનું વિસ્તર કરી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે બેલેન્સ જાળવવાનો પ્રયાસ કરવામાં આવે તેવી શકયતા નકારી શકાતી નથી.

જો જોવા જઇએ તો હાલમાં સીએમ રૂપાણીના મંત્રીમંડળમાં ઉત્તર ગુજરાતમાંથી નીતિન પટેલ જ એકમાત્ર મોટા ગજાના નેતા છે. ત્યારે તાજેતરમાં જ નીતિન પટેલ નારાજ હોવાનો અને રાજીનામું આપવાના હોવાની અટકળો પણ પૂરજોરમાં ચાલી હતી. જોકે, વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ જે રીતે નીતિન પટેલે પોતાના હોદ્દા કપાતાં નારાજગી વ્યકત કરી હતી અને જે 'રાજકીય ડ્રામા' ખેલાયો હતો, તે જોતાં અંદરખાને કંઈક રંધાઈ રહ્યુ હોવાની વાત નકારી શકાય નહીં. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ચાલતા આંતરિક વિખવાદને ઉકેલવા માટે પણ આ મુલાકાત થઈ હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

(4:04 pm IST)